વાપીઃ કોરોનાના કહેરમાં દક્ષિણ ગુજરાતી શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી અને વર્ષોથી તબીબી ક્ષેત્રે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડનારી વાપી સ્થિત શ્રેયશ મેડીકેર સંચાલિત એમ.એન. મહેતા હોસ્પિટલ (જનસેવા હોસ્પિટલ) જ્યાં સુધી સ્થિતી થાળે ના પડે ત્યાં સુધી સરકાર હસ્તક જ રહેશે. તેવો નિર્ણય હોસ્પિટલ ટ્રસ્ટે લીધો છે.
કોરોના વાઇરસના કહેરને કારણે અત્યારે વિશ્વ આખામાં ખોફ વ્યાપ્યો છે. જો કે આ મહામારી સામે લડવા માટે સેવાભાવી સંસ્થાઓં સરકાર સાથે ખભેથી ખભા મીલાવીને કામ કરી રહી છે. તે દરમિયાન શ્રેયશ મેડીકેરના પ્રમુખ કિશોરભાઈ દેસાઈ અને મેનેજીંગ ટ્રસ્ટી નિમેશભાઇ વશી તેમજ જનસેવા મંડળના પ્રમુખ નીતિનભાઈ મહેતા અને સેક્રેટરી હેમંત દેસાઈએ માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડતાં પોતાની આખી હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારને સોંપી દીધી છે. તેમની આ પહેલને વાપી જ નહીં, પરંતુ આખું દક્ષિણ ગુજરાત બિરદાવી રહ્યું છે.
શ્રેયશ મેડીકેરે તેમની ૧૦૮ બેડની ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ થયેલી અને ૫૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી એમ.એન.મહેતા (વલવાડા ) હોસ્પિટલ જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી સરકાર હસ્તક જ રહેશે તેવો નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર આપવાના હેતુથી આ કાર્ય કર્યું છે.
અહીં 16 બેડનું આઈ.સી.યુ. તેમજ 40 બેડના આઈસોલેશન તાત્કાલિક ધોરણે કાર્યરત કરાવામાં આવ્યા છે. આ સાથે સાથે 5 ઓપરેશન થિયેટર સંચાલિત થાય છે. 4 એકરમાં ફેલાયેલી આ હોસ્પિટલ અદ્યતન સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત અહીં તબીબો અને નસિંગ રટાફ્ની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
જ્યારે આ હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય પણ તુરંત જ લઈ લેવામાં આવ્યો છે અને 25 વર્ષથી ચાલતું ડાયાલીસીસ યુનિટ સરકારની મદદથી હંગામી ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. તે દર્દીઓને પણ કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, અન્ય શહેરોની સરખામણીએ વલસાડ જિલ્લામાં અને વાપીમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક પણ પોઝિટિવ કેસ અહીં નોધાયેલો નથી. આમ છતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લૉકડાઉનનું ચુસ્પતણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.
કોરોનાના સંભવિત કહેરને ધ્યાનમાં રાખી કેમ્પસમાં જ ૫૦ જેટલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.