વાપી: હવામાન વિભાગની આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીનો વર્તારો કચ્છ-સૌરાષ્ટ્ર, ભરૂચ-નર્મદા જિલ્લાને ફળ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે વાતાવરણ સ્વચ્છ રહ્યું છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ભાદરવા મહિનામાં અને 19 મી સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો કુલ વરસાદની સરખામણીએ 16 થી 18 ટકા વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે.
16 થી 18 ટકા વધુ પાણી: ગુજરાતના ભરૂચ-નર્મદા જિલ્લામાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસી રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં રિમઝીમ વરસાદી હેલી વરસી રહી છે. સંઘપ્રદેશમાં અને વલસાડ જિલ્લાના 6 તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ અડધા થી 2 ઇંચ સુધી વરસાદ વરસી રહ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 19 મી સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, સેલવાસમાં અત્યાર સુધીમાં કુલ 104 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ખાનવેલમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 108 ઇંચ નોંધાઈ ચુક્યો છે.
સેલવાસમાં કુલ 104 ઇંચ: દમણમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 88 ઈંચ થયો છે. આ બંને સંઘપ્રદેશમાં સીઝનનો કુલ વરસાદ સામે 18 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ વર્ષે 16 ટકા વધુ વરસાદ સાથે અત્યાર સુધીમાં સિઝનનો કુલ 88 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ વરસાદની વિગતો જોઈએ તો કપરાડા તાલુકામાં સૌથી વધુ 123 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાપી તાલુકામાં 94 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉમરગામ તાલુકામાં 88 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધરમપુર માં 85 ઇંચ, પારડીમાં 83 ઇંચ જ્યારે વલસાડ તાલુકામાં સૌથી ઓછો 77 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
મધુબન ડેમમાં પાણીની સપાટી 79.05 મીટર પર: વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ માં જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ આખો મહિનો કોરોધાકોર ગયો હતો. સપ્ટેમ્બર મહિનામાં સતત છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. તો, ઉપરવાસમાં પણ વરસતા વરસાદને કારણે મધુબન ડેમમાં 8183 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 4 દરવાજો 0.40 મીટર સુધી ખોલી 9767 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. મધુબન ડેમની વોર્નિંગ લેવલ સપાટી 79.86 મીટર છે. જેની સામે હાલ ડેમમાં પાણીની સપાટી 79.05 મીટર પર છે.
કચ્છમાં 35 થી 73 ટકા જેટલો વધુ વરસાદ: ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં અનરાધાર વરસેલા વરસાદે કેટલાક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગે આપેલા તારીખ 1 જૂન 2023 થી તારીખ 18 સપ્ટેમ્બર 2023 સુધીના કુલ વરસાદના આંકડામાં ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 673.9 mm વરસાદની સામે આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 756.9 mm વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, નર્મદા, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર જેવા જિલ્લા સહિત અન્ય કેટલાક જિલ્લામાં સિઝનનો કુલ વરસતા વરસાદની સામે સરેરાશ 25 ટકાથી 1 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે, જૂનાગઢ, જામનગર, કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદની સરખામણીએ 35 થી 73 ટકા જેટલો વધુ વરસાદ વરસ્યો છે.