દમણ નગરપાલિકા (DMC)ના આદેશોને ઘોળીને પી જતી આ હોટેલોએ પોતાના કિચન અને શૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી. આ ગંદુ પાણી ટ્રીટ થયા વગર ડ્રેનેજ લાઈનમાં થઈને સીધું દરિયામાં ભળી જતું હતું. DMCએ તમામ હોટલોને પોતાનો STP અને ETP પ્લાન્ટ નાંખવાનો પણ આદેશ કર્યો હતો. જેને હોટલ માલિકો ઘોળીને પી ગયા હતા. STP/ETP પ્લાન્ટ નાંખી દીધો હોવાનું પાલિકાને મૌખિક રીતે જણાવીને બિન્દાસપણે ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં છોડતા હતા.
ત્યારે પાલિકાના આદેશોને ઘોળીને પી જતા આ હોટલ સંચાલકો સામે પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. સી-ફેસ રોડ પર આવેલી તમામ હોટલ પર પાલિકાની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત હોટલો જે ગંદુ પાણી છોડી રહી છે. તે નક્કી કરેલા માનક મુજબ ટ્રીટ થઈને બહાર છે કે કેમ તે માટે PCCની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
જેમણે દરેક હોટલોના પાણીના સેમ્પલો લીધા હતા. પાલિકા દ્વારા દમણના હોટલ સંચાલકોને પોતાની હોટલનું પાણીનું કનેક્શન સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં ન આપવા માટે અનેકવાર સૂચના આપવામાં આવી હતી. પણ હોટલ સંચાલકોએ ગુપચુપ રીતે પોતાનું કાર્ય ચાલુ રાખતા અંતે પાલિકા C.O. વૈભવ રિખારીની ટીમે કડક હાથે કામ લીધું હતું. આ કાર્યવાહિમાં નિયમોનું ઉલ્લંઘન કરતા જે તે હોટલ માલિકોને આડે હાથ લીધા હતા.
પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં દમણની હૉટલ સમ્રાટ, હૉટલ ગુરૂકૃપા, હૉટલ સોવરિન, હૉટલ સાંઈ અમર જેવી કેટલીક હૉટલો નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમને ચીફ ઓફિસરે 5000નો દંડ ફટકાર્યો હતો. તો આવનારા સમયમાં જો દંડ ન ભરે અને પોતાની હૉટલોમાં STP/ETP નહી નાખે તો રોજ જ દંડ ભરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી.
પાલિકાએ હૉટલો પર કરેલી રેડથી દમણના હૉટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવનારા દિવસોમાં દમણ પાલિકા વિસ્તારમાં આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં પણ દમણ નગરપાલિકા દ્વારા ચકાસણી હાથ ધરવાની છે. જેને લઈને રહેણાંક સોસાયટીઓમાં પણ ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.