દમણમાં નાની-મોટી મળી અંદાજીત 3000 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેમાં અંદાજીત 80 હજારથી વધુ વિવિધ રાજ્યોના કામદારો કામ કરે છે. આ કામદારો દમણમાં નાની ઓરડી જેવી રૂમ ભાડે લઇ તેમાં પોતાના પરિવાર સાથે કે અન્ય સાથી કર્મચારીઓ સાથે રહે છે. આ ચાલીઓમાં રહેતાં તમામ કામદારોને શુદ્ધ પાણી, સ્વચ્છતા, ટોયલેટ સહિતની અનેક બાબતોને લઈ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
કામદારોની આ દયનીય પરિસ્થિતિ દમણ-દીવ પ્રશાસનના પ્રશાસક પ્રફુલ પટેલના ધ્યાને આવતા તેમણે સંઘપ્રદેશ દમણનાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો માટે સ્પર્શ યોજના હેઠળ ઔદ્યોગિક આવાસ બનાવવાની નેમ સેવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવી ટૂંક જ સમયમાં દમણના રીંગણવાડા વિસ્તારમાં કામદારો માટે અદ્યતન મોડેલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કામદારોને સસ્તા ભાડામાં રહેવાની સુવિધા પ્રાપ્ત થશે. ભાડાની સાથે 50 ટકા સબસિડી આપવામાં આવશે. એક ડોરમેટરીનું ભાડું 500થી 600 રૂપિયા પ્રતિમાસ રાખવામાં આવ્યું છે. સાથે ફેમિલી રૂમનું ભાડું 3000 પ્રતિમાસ રાખવામાં આવ્યું છે. જેમાં 50 ટકા રકમ લેબર વિભાગ આપશે. લાભાર્થીઓના ખાતામાં 50% રકમ પરત જમા થશે એટલે કામદારોને માત્ર 300 રૂપિયા ડોરમેટરી અને 1500 રૂપિયામાં ફેમિલી રૂમ મળશે.
આ અંગે દમણના ડેપ્યુટી કલેકટર અને ડેપ્યુટી લેબર સેક્રેટરી ચાર્મી પારેખે વિગતો આપતા જણાવ્યું હતું કે, "દમણ દીવ દાનહના પ્રશાસક પ્રફુલ પટેલે સ્પર્શ યોજના હેઠળ ઔદ્યોગિક આવાસ સ્કીમ શરૂ કરાવી હતી. જે અંતિમ ચરણમાં છે. આ યોજના અંતર્ગત રીંગણવાડાની OIDC ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. લેબર વિભાગ અને ઑમ્ની બસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટના સહયોગથી આ બિલ્ડિંગમાં 46 રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. OIDC દ્વારા તૈયાર કરાયેલા આ કોમ્પ્લેક્ષનું ટૂંક જ સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કામદાર રહેણાંક ઇમારતનાં એક રૂમમાં 5 ડોરમેટરી બેડ લગાવાયા છે. સામાન રાખવાની જગ્યા અને નજીકમાં લોકરની સુવિધા પણ રાખી છે. સાથે કંપનીમાં કામ કરતા કામદાર પરિવાર માટે પણ રૂમ બનાવાયા છે. કામદાર પરિવાર આ રૂમ ભાડા પર લઇ શકે છે."
ઉલ્લેખનીય છે કે, દમણમાં અનેક ચાલીઓમાં કામદારો દયનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરે છે, પણ કોઈ તેમની મુશ્કેલીઓ પ્રત્યે ધ્યાન આપતું નથી, ત્યારે દમણ પ્રશાસને કામદારોના ભવિષ્યની ચિંતા કરી હાઉસીંગ કોમ્પલેક્ષ બનાવી સારા રૂમની સગવડ પૂરી પાડી છે. જે અન્ય રાજ્યોને પણ કામદારોની કાળજી લેવાનો સંદેશ પાઠવે છે. આવનારા દિવસોમાં અસહ્ય ગંદકીવાળી રૂમો બનાવી તેના ભાડા પર પોતાના ખિસ્સા ભરતાં મકાન માલિકો પણ આ યોજનામાંથી પ્રેરણા લે અને કામદારોને સારા અને સ્વચ્છ મકાનો આપવાની નેમ સેવે.