વાપી: વાપીના ગુંજન વિસ્તારમાં વંદે માતરમ ચોક ખાતે રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને 5 રૂપિયામાં ભોજન મળી રહે તે માટેની કેન્ટિનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
લોકપ્રિય યોજના: વાપીના ગુંજન વિસ્તાર સહિત જિલ્લાના 6 કડીયાનાકા પર તારીખ 12મી ફેબ્રુઆરીથી 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. જે અંતર્ગત વાપીમાં ગુંજનના વંદે માતરમ ચોક ખાતે ઉભી કરેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળની કેન્ટીનની રીબીન કાપી નાણાપ્રધાન કનું દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળની કેન્ટીનનું ઉદ્ઘાટન કરતી વખતે નાણાપ્રધાને આ યોજના અંગે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની અવરજવર પર નિયંત્રણ હતા. એ સમયે પણ ભોજન અપાતું.
આ પણ વાંચો Geeta Rabari: સ્વર સેવા અને સંગીતનો ત્રિવેણી સંગમ, ફ્રીમાં અન્નસેવા હેતું ફંડ એકઠું થયું
માત્ર 5 રૂપિયામાં ભોજનઃ આ શ્રમિક યોજનામાં અપાતું ભોજન મહામારીથી બચાવવા સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યું હતું. હવે, ફરીથી સરકારે નિર્ણય કર્યો છે કે શ્રમિકો માટે પહેલા દસ રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું એને ₹5 માં આપવામાં આવે જે માટે રાજ્યના દરેક જિલ્લામાં ફરી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. બાંધકામના શ્રમિકોને 5 રૂપિયામાં એક ટાઇમનું એમ બે ટાઈમ ભોજન મળી રહેશે.
એજન્સીને જવાબદારીઃ આ માટે એજન્સીઓ નક્કી કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જુન-2017 થી શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 12 જિલ્લાનાં 36 શહેરોમાં કુલ – 119 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવેલા હતા. કોવીડ–19ની મહામારીને ધ્યાને લેતા યોજના સ્થગિત કરવામાં આવી હતી.
શું હશે જમવામાંઃ શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂપિયા 5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, દાળભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરાયો છે. વલસાડ જિલ્લાના 6 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યાં છે. જ્યાંથી બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ આપવામાં આવશે.
આ પણ વાંચો બળી જવાના કેસમાં ચામડીની કેવી રીતે કેર થાય એ અંગે સેમીનાર યોજાયો
કાર્ડ જોઈશે: શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ- નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ.નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂપિયા 5 માં પોતાના ટિફિનમાં અથવા ડીશમાં માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ નિર્માણ કાર્ડ મારફતે પોતાના પૂરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવાપાત્ર છે.
નોંધણી પછી જમવાનુંઃ લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયા એ સમયથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. આ એજન્સીઓ ક્વોલિટી સાથે ગુણવત્તાવાળું જમવાનું આપે એના માટે તેમજ યોજના હેઠળ દરેક કેન્ટિન કાયમી ધોરણે ચાલુ રહે તેના પર સરકાર પૂરેપૂરુ ધ્યાન રાખશે. સરકાર આ યોજનાને ગુજરાતમાં લોકપ્રિય યોજના બનાવવા માંગે છે.
ઇન્ડસ્ટ્રીઝ એરિયા: ગુજરાત સરકાર દ્વારા વાપી જેવા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જ્યાં વધુ શ્રમિકો છે. એવા એરિયામાં પણ ફરજિયાત રીતે કંટીન્યુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સાથે એક નવી યોજના સરકાર વિચારી રહી છે કે, જે યોજના હેઠળ આ શ્રમિકો માટે એક સુંદર આવાસ બને. જેમાં સેનીટેશન સાથે શુદ્ધ પીવાનું પાણી મળી શકે. વલસાડ જિલ્લામાં વાપીના વંદે માતરમ ચોક, ઝંડા ચોક, ભડકમોરા કડિયા નાકા ઉપરાંત વલસાડ શહેરમાં ડૉ. મોઘાભાઇહોલની સામે, ધરામપુરમાં હાથીખાના કડીયાનાકા પર, પારડીમાં બસ સ્ટેશન પાસે એમ 6 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવાના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે. ઉદઘાટન પ્રસંગે વાપીના ઉદ્યોગપતિઓ, ભાજપના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ગુજરાતની લોકપ્રિય યોજના બનાવવા માંગે છે. એ ઉપરાંત વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો, બંધકામક્ષેત્રે જોડાયેલ શ્રમિકો માટે સરકાર સુંદર આવાસ બનાવવા માંગે છે. જે આવાસમાં શુદ્ધ પીવાનું પાણી મળે, સ્વચ્છ સેનિટેશન મળે તે પ્રકારનું અયોજન હાલ વિચારણા હેઠળ છે.---કનું દેસાઈ (નાણાપ્રધાન, ગુજરાત સરકાર)