દમણમાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
કમ્પાઉન્ડની દીવાલ સાથે ટકરાઈ કાર
સદનસીબે કારચાલકનો બચાવ
દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક પોતાની હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર લઈને નીકળ્યો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કડૈયા-મીરાસોલ રોડ પર કાર કમ્પાઉન્ડની દીવાલ સાથે ટકરાઈ હતી.
દીવાલ સાથે ટકરાઈ કાર
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક પોતાની હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર લઈને ભીમપોરથી કડૈયા તરફ આવી રહ્યો હતો. તે સમયે મીરાસોલ રિસોર્ટ નજીકના ટર્ન પર અચાનક સામેથી એક બાઈક આવી જતા કાર ચાલક ટર્ન મારી શક્યો નહોતો અને તેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી રસ્તો ઓળંગીને નજીક આવેલા કમ્પાઉન્ડની દીવાલ સાથે ટકરાઈ હતી.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક પગલાં જરૂરી
દમણમાં દારૂની છૂટ હોવાથી અહીં વારે તહેવારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો જીવલેણ અકસ્માતો સર્જીને પોતાનો અથવા તો અન્ય લોકોનો જીવ જોખમમાં મુકતા હોય છે. ત્યારે દમણ પોલીસ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે વધુ કડક પગલાં લે તે હવે જરૂરી બન્યું છે.