નાની દમણના બસ સ્ટેન્ડ એરિયામાં રહેતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો બાળક બે દિવસ અગાઉ જ્યારે બહારથી રમીને ઘરે પરત ફર્યો. ત્યારે તેમની હાફ પેન્ટ ઉપર લોહીના ડાધા દેખાતા માતાને શંકા ગઇ હતી. આ અંગે માતાએ જ્યારે બાળકને પૂછયું તો જે હકીકત જણાવી તે સાંભળી માતાના પગ તળેથી જમીન ખસ ગઇ હતી.
આ વિસ્તારમાં જ રહેતો 15 વર્ષીય કિશોર બાળકને આઇસ્ક્રીમનો કોન ખવડાવાના બહાને ઘોડાના તબેલામાં લઇ ગયો હતો. જ્યા 15 વર્ષના કિશોરે લીલા સોલ્યુશન (ચંપલ સાધવા, પાઇપ ફિટ કરવા અને ફોમ ચોંટાડવા વપરાતું)નો નશો કરીને બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. દુષ્કર્મ કર્યા બાદ આરોપી કિશોરે પીડિત બાળકને 20 રૂપિયા આપી કહ્યું હતું કે, આવી મજા બધા જ કરે છે. આ વાત કોઇને કહેતો નહિં.
આ સાંભળી પીડિત બાળકના માતા-પિતા તાત્કાલિક બાળકને લઇને ફરિયાદ કરવા માટે દમણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. દમણ પોલીસે કિશોર વિરૂધ્ધ દુષ્કર્મ અને પ્રોસ્કો એક્ટ મુજબ આરોપીની અટકાયત કરીને પીડિત બાળકને મેડિકલ તપાસ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ નશાયુક્ત પદાર્થ મોચીકામમાં ચામડું સાંધવા અને પાઇપ ફિટિંગ તથા ફોમ ચીંટકાવવા માટે વપરાતું સોલ્યુશન સ્પેબ 7 વાપી સહિત દમણની દુકાનમાં ખુલ્લેઆમ સ્પેબ 7 મળે છે. 20 રૂપિયામાં ટયુબ અને 50 રૂપિયામાં ટિનનું વેચાણ થતું હોય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દમણ પોલીસે લાયન્સ કલબ તથા અન્ય સંસ્થાઓ સાથે મળી આ વિસ્તારમાં ખાસ જાગૃતતા કાર્યક્રમ રાખ્યો હતો. આવા વ્યસનથી બાળકોને દૂર રાખવા, આવી કોઈ લત કોઈને હોય કે કોઈ આ પદાર્થ વેન્ચતો હોય તો તે અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો. અને પોતાના બાળકો પર સતત નજર રાખી તેને હૂંફ આપી સારા નાગરિક બનાવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નાની દમણના બસ સ્ટેન્ડ પાસે આવેલા વિસ્તારના નાના સ્લમ વિસ્તારના બાળકોમાં સોલ્યુશનથી નશો કરતાની લતનું પ્રમાણ વધી ગયું છે. આ વિસ્તારમાં જ રહેતો 13 વર્ષનો બાળક તેમના મિત્રની સંગતમાં આવીને સોલ્યુશનના નશાની લતે ચઢી ગયો હતો. જેની આદત છોડાવવા તેને સાંકળથી બાંધી રાખવો પડે છે. જેથી કરીને તે ઘરની બહાર નીકળી ન શકે અને ફરીથી નશો કરી ન શકે.