- CRPFના કોંબ્રા કમાન્ડોને ન્યાય અપાવવા કોડીનાર ખાતે નીકળી વિશાળ રેલી
- કોડીનાર શહેરના સર્વે સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
- કોંબ્રા કમાન્ડો સ્વ.અજીતસિંહ પરમારના રહસ્યમય મૃત્યુ મામલે સીબીઆઈ તપાસની કરાઈ માંગ
દીવઃ સીઆરપીએફના કોંબ્રા કમાન્ડો સ્વ. અજીતસિંહ પરમારને ન્યાય અપાવવા માટે કોડીનાર ખાતે શનીવારે વિશાળ રેલી નીકળી હતી. વિશાળ સંખ્યામાં કોડીનાર શહેરના સર્વે સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સીઆરપીએફના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનું મધ્યપ્રદેશમાંથી અગમ્ય કારણોસર મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર કોડીનાર શહેરમાં આક્રોશ છવાયો છે.
ન્યાય નહી મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી
કોબ્રા કમાન્ડો કે જેઓ 10 હજાર આર્મી જવાનો માંથી માત્ર 5 જવાનોની જ પસંદગી થતી હોય છે. ત્યારે કોડીનારનાં એકમાત્ર કોબ્રા કમાન્ડોનાં મોતના રહસ્યને સર્વે સમાજે સુત્રોચાર અને આક્રોશ સાથે રેલી કાઢી સીબીઆઈ તપાસ થાય અને આ જવાનના મોત પાછળ જે કોઈ પણ જવાબદાર હોય તેઓને સજા થાય તેવી માંગ કરાઈ છે. તેમજ જો યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો...?
મૂળ ગીર સોમનાથનાં કોડીનારનાં વતની અને બિહાર સીઆરપીએફની 205 રેજીમેન્ટમાં ફરજ બજાવતા કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર દિવાળીની રજાઓમાં દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ ટ્રેન મારફતે વડોદરા આવી રહ્યા હતા. ટ્રેન મુંબઈ પહોંચી ત્યારે રાજધાની એક્સપ્રેસના એ.સી.કોચમાંથી માત્ર તેઓનો સામાન મળ્યો!! અજીતસિંહ ગુમ હતા. કોડીનાર સ્થિત પરિવારે તપાસ કરતા મુંબઈ પોલીસનો સંપર્ક થયો. માત્ર સામાન જ મળ્યો તે જાણી પરિવાર ચિંતિત બન્યો હતો. અજીતસિંહ વડોદરા પણ ઉતર્યા ન હતા. બીજા દિવસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ નજીકના રેલવે ટ્રેક પાસેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા અજિતસિંહના મૃતદેહને કોઈપણ જાતની તપાસ કર્યા સિવાઈ દફનાવી દેવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ એમ.પી. પહોંચ્યા હતા અને રેલવે પોલીસને પુરાવા આપી મૃતદેહની માંગણી કરી હતી. રેલવે પોલીસ દ્વારા આનાકાની અને બહાનાં બાજી બાદ આખરે અજિતસિંહનો મૃતદેહ જમીનમાંથી કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સ્વ.અજિતસિંહના મૃતદેહને લઈ માદરે વતન પહોંચ્યા હતા.
શહેરીજનો દ્વારા મામલતદારને રજુઆત
સીઆરપીએફના કોબ્રા કમાન્ડો સ્વ.અજીતસિંહ પરમારને શહીદનો દરજ્જો મળે તેમજ તેમના મૃત્યુની સીબીઆઈ દ્વારા ન્યાયિક તપાસ થાય તે માટે કોડીનાર શહેરીજનો દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે.