ખતલવાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પણ લોકોના ઘરો પર ઝાડ ધરાશાયી થયા હતાં. ઝાડ પડતા ઘણા લોકો બેઘર બન્યા હતાં. જેના કારણે ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. તંત્રની મદદ પણ સમયસર મળી ન હતી. ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં પણ લોકોની દુકાનમાં પાણી ફરી વળ્યા હતા. વાપી રેલ્વે સ્ટેશન નજીક બની રહેલા નવા રેલવે ટ્રેક નહેરમાં ફેરવાઈ ગયા હતા. વાપી નજીક બની રહેલા ફ્રેઈટ કોરિડોર માટેની નવી રેલ લાઇનના કામમાં ભારે નુકસાની થઈ હતી અને કામગીરી સ્થગિત કરવી પડી હતી.
ભારે વરસાદના કારણે વાપી રેલવે સ્ટેશન નજીકના એપાર્ટમેન્ટ પાણીમાં તરબોળ બન્યાં હતાં. જિલ્લામાં ક્યાંક વરસાદ મહેર બન્યો હતો, તો વાપી અને ઉંમરગામ વિસ્તારમાં કહેર બનીને તૂટી પડ્યો હતો. જેમાં મોટાપાયે નુકસાની સર્જાઈ હતી. જે અંગે ચોક્કસ આંકડો તો વહીવટીતંત્ર જ્યારે સર્વે કરશે ત્યારે જ બહાર આવશે.