દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ઇતિહાસમાં જ્ઞાની જૈલસિંહ અને ડો.એ.પી.જે અબ્દુલ કલામ બાદ રામનાંથ કોવિંદ એવા ત્રીજા રાષ્ટ્રપતિ છે. જેઓ દમણની મુલાકાત લઈ રહ્યા છે. મળતી મહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 18 ફેબ્રુઆરીએ સેલવાસમાં આવશે. જ્યાં સર્કિટ હાઉસમાં રોકાયા બાદ નાગરીક અભિનંદન કાર્યક્રમમાં જોડાઈને 19 ફેબ્રુઆરીએ દમણ પધારશે.
ત્યારે તેમના સન્માનમાં કોઈ ઉણપ ન રહે તે માટે પ્રશાસનિક વિભાગ દ્વારા જોરદાર તૈયારીઓ આરંભવામાં આવી રહી છે. જેના અનુસંધાને પ્રદેશના માર્ગોનું નવીનીકરણ તેમજ કોલેજ ગ્રાઉન્ડનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે બંને પ્રદેશોમાં સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, તેમજ જે સ્થળોએ રાષ્ટ્રપતિ પધારશે તે વિસ્તારોમાં બ્યુટીફિકેશનનું કાર્ય પણ પુરજોશમાં શરુ કરવાંમાં આવી રહ્યું છે.
દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દમણ કલેકટર, જિલ્લા પોલીસવડા, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અંગે માહિતીનું આદાનપ્રદાન કરી જરૂરી સુચનો આપ્યાં હતાં.