પોલીસ દ્વારા અપાયેલ માહિતી મુજબ નાની દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણીને ગુપ્ત જાણકારી મળી હતી કે, દમણમાં ડાભેલ આટીયાવાડ વિસ્તારમાં વિજયબારની સામે આવેલા ચાલોમાં જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ વાતની જાણકારી મળ્યા બાદ દમણના DIGP ઋષિપાલ સિંહની મંજૂરી મેળવી દમણ પોલીસે સોહિલ જીવાણીના નેતૃત્વમાં જુગારના અડ્ડા પર રેડ કરી હતી.
પોલીસે કરેલી આ રેડમાં તીનપત્તીનો જુગાર રમતા 7 જેટલા જુગારીયાઓ ઝડપાયા હતાં. જેમાં દમણ પોલીસે નવીન રમણ પટેલ, કાંતિ બનુ બારી, ગૌરવ અતુલ દેસાઈ, સુલેમાન શત્રુદિન ચારણીયા, રાજેશ બ્રીજલાલ લાલચંદાની, મિલન દિનેશચંદ્ર દેસાઈ, સુરેશ વિઠ્ઠલ ઓડ સહિતના વાપી દમણના નામચીન વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડયા હતાં.
પોલીસે પકડાયેલા આ તમામ જુગારીઓના જુગારના પત્તા, 11 પત્તાના બોક્સ, અલગ અલગ કંપનીના 6 મોબાઈલ મળી અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા આ ઉપરાંત જીપ, કંપાસ કાર, ઈનોવા કાર જેની અંદાજિત કિંમત 36,00,000 અને રોકડા રૂપિયા 1,98,260 મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નાની દમણ પોલીસ સ્ટેશનમાં કલમ 3, 4, 7, ગોવા દમણ એન્ડ દીવ ગેમ્બલિંગ એક્ટ 1976 હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.