- સાગર સન હોટલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડી હતી
- સુકર શેઠેે પોતાની દાતારીનો પરચો બતાવ્યો
- સુકર શેઠના પરિવારે કરોડોની હોટલ જમીન વિનામૂલ્યે પ્રશાસને સોંપી
દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દેવકા બીચ પર આકાર લેનારા કરોડોના વિકાસના પ્રોજેક્ટમાં અડચણ બનેલી સાગર સન હોટલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. દેવકા સી-ફેસ પર આકાર લેનાર પ્રોજેક્ટ વચ્ચે દમણના જાણીતા સુકર શેઠની હોટલ અને કરોડોની જમીન આવતી હતી. જે અંગે પ્રશાસન અને સુકર શેઠના પરિવારે એકબીજા સાથે સહમતી કરી લેતા હવે દમણના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલીઝંડી મળી છે.
વર્ષ 1994માં સુકર નારાયણે દેવકા બીચ પર આ હોટલ બનાવી હતી
રવિવારે દમણના મરવડ વિસ્તારમાં દેવકા બીચ પર આવેલા દમણની સૌથી જૂની અને જાણીતી હોટલ સાગર સનને તોડી પાડવામાં આવી હતી. આ હોટલ દમણના જાણીતા સુકર નારાયણ બખિયાની હતી. સુકર બખિયા દમણમાં એક સમયે દાણચોરીમાં અને દાતારીમાં ખૂબ મોટું નામ ગણાતું હતું. તેણે વર્ષ 1994માં દેવકા બીચ પર આ હોટલ બનાવી હતી. જે તે સમયની વૈભવશાળી હટેલ હતી.
આ પણ વાંચો : ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટને 'સેફ સિટી કેટેગરીમાં' સ્માર્ટ સિટી ઈંડિયા-2021 એવોર્ડ મળ્યો
પ્રોજેક્ટમાં હોટલ સાગર સન અને કરોડોની જમીન બાધારૂપ હતી
દમણના મોટી દમણ ખાતે કરોડોના ખર્ચે સી-ફેસ રોડ બનાવી પ્રશાસને દમણને પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓમાં માનીતું પ્રવાસનધામ બનાવ્યું છે. આ જ પ્રોજેક્ટ હેઠળ દેવકા બીચને પણ ડેવલોપ કરવાનો પ્લાન પ્રશાસનનો હતો. પરંતુ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હોટલ સાગર સન અને કરોડોની જમીન બાધારૂપ હતી. આ અંગે છેલ્લા ઘણા સમયથી પ્રશાસન અને સુકર શેઠના પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. જેમાં આખરે કરી એકવાર સુકર શેઠના પરિવારે પોતાની દાતારીનો પરચો બતાવ્યો હતો.
સુકર શેઠ તરીકે જાણીતા સુકર બખિયાના પત્ની માણેક સુકર બખિયાએ જમીન અને હોટલનું એકપણ રૂપિયાનું વળતર લીધા વિના હોટલને તોડવાની અનુમતિ આપી દીધી હતી. 20 એકર આસપાસની આ કરોડોની જમીનમાંથી 3 એકર જેટલી જમીન સી-ફેસ પ્રોજેક્ટમાં જતી હતી. જેના પર 380 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતી કરોડોની હોટલ પણ હતી. તેમ છતાં બખિયા પરિવારે મોટું મન રાખી દમણના વિકાસ માટે એકપણ રૂપિયો લીધા વિના હોટલ અને જમીન પ્રશાસનને સુપ્રત કરી દીધી હતી.