વાપી : નવરાત્રી પર્વ તેના અંતિમ તબક્કા તરફ છે. ત્યારે રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વાપીની વિવિધ સોસાયટીઓમાં અને પાર્ટી પ્લોટમાં મુલાકાત લઈ ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ ગરબા આયોજકોને સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા. ગરબા આયોજકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે માતાજીની આરાધનાનું પર્વ ઉજવવામાં આવતું હોય છે.
વાપીમાં ભવ્ય નવરાત્રી આયોજન : સમગ્ર ગુજરાત સહિત વાપીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા આયોજકોએ રાસ ગરબાનું આયોજન કર્યું છે. પાર્ટી પ્લોટ અને વિવિધ સોસાયટીઓમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલાડીઓને ગરબે રમાડવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવાનો ઉદેશ્ય દરેક ગરબા આયોજકે સેવ્યો છે. ત્યારે આ તમામ ગરબા આયોજકોને અને ગરબે રમવા આવેલા ખેલૈયાઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિતના આગેવાનો વિવિધ ગરબા આયોજકોને ત્યાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી.
માતાજીની વિશેષ આરાધના : આ પ્રસંગે કનુ દેસાઈએ સુંદર આયોજન બદલ ગરબા આયોજકોને અને ગરબે રમવા આવેલા ખેલૈયાઓને અભિનંદન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં અને વિશ્વમાં નવરાત્રી મહોત્સવને વડાપ્રધાને આગવું સ્થાન અપાવ્યું છે. નવરાત્રીના તમામ સ્થળે માતાજીની આરાધના થાય છે. જેનાથી દરેકને નવી ઉર્જા અને પ્રેરણા મળે છે. આસુરી શક્તિનો નાશ થાય છે. નવરાત્રી પર્વમાં થતી માતાજીની આરાધનાથી માતાજીએ ગુજરાતને દરેક આફતમાંથી ઉગાર્યું છે. માતાજી લોકોના જીવનમાં સુખ-શાંતિ લાવે, લોકોની પ્રગતિ થાય તેવા આશીર્વાદ માંગ્યા હતા.
વિદેશી દેશી રંગે રંગાયા : જેમ નવરાત્રી ગ્લોબલ નવરાત્રી બની રહી છે. તેવી જ રીતે વાપી પણ મીની ઇન્ડિયા બન્યું છે. અહીં વિદેશીઓ પણ નવરાત્રીના ગરબા મહોત્સવમાં ભાગ લેતા જોવા મળે છે. જે બતાવે છે કે નવરાત્રીમાં વાપી પણ ગ્લોબલ બની રહ્યું છે.
ગરબા આયોજકોને અપીલ : ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આયોજક સમીર પટેલ અને તેમની ટીમે નાણાંપ્રધાન સહિત તમામ આગેવાનોનું સ્વાગત કર્યું હતું. નવરાત્રીમાં ગરબા રસિયાઓને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહેલા કનુભાઈ દેસાઈએ પણ ગરબા આયોજકો નવરાત્રી પર્વમાં સેવાકીય પ્રવૃતિ કરે છે તે પ્રકારે અન્ય સ્થળોએ પણ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે લોકો તેમાં વધુને વધુ જોડાતા રહે તેવી અપીલ કરી કરી હતી.
ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા : ઉલ્લેખનીય છે કે, કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ વાપી ખાતે પટેલ સમાજ વાડી, શિવાલીક હાઇટ્સ, પ્રમુખ ગ્રીન, ભાઠેલા પાર્ટી પ્લોટ, મુક્તાનંદ માર્ગ ખાતે ઉજવાઈ રહેલા નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સ્થળે તેમણે માતાજીની આરાધના કરી ખેલૈયાઓ સાથે ફોટા પડાવ્યા હતા. ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.