વાપી: ઉમરગામ તાલુકામાં ધોધમાર 14.50 ઇંચ વરસ્યા બાદ અનેક ગામમાં લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. તેમજ પારાવાર જાનમાલની નુકસાની વેઠવી પડી છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતી વન પ્રધાન રમણ પાટકર આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી.
પાટકરે આ અંગે વિગતો આપી હતી કે, ઉમરગામમાં કુલ એક હજાર પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. 2 લોકોના મૃત્યુ થયા છે. સરકારના જવાબદાર અધિકારી તરીકે તાત્કાલિક આ તમામ અસરગ્રસ્ત પરિવારોને રાશન સહિતની કીટ આપવામાં આવી છે. જેમાં 66,000 સુધીની કેશડોલ સહાય સહિતની સહાય સામગ્રી પુરી પાડવામાં આવી રહી છે. અતિવૃષ્ટિને કારણે આ વિસ્તરમાં આવેલા બોરલાઈ, ખાતલવાડા, સંજાણ, ભિલાડ ઘોડિપાડા, ઝારોલી, અંકલાસ સહિતના ગામમાં 5 ફૂટ પાણી ભરાયા હતાં. જેમાં ગામલોકોની તમામ ઘરવખરી તણાઈ ગઈ છે. આવા પરિવારોને કેશડોલ સહાય આપવામાં આવી છે.
આ વિસ્તાર બે વ્યક્તિઓ મોતને ભેટ્યા હતાં. જેમાં એકનું મોત વીજળી પડવાથી જ્યારે બીજાનું મૃત્યુ કાર સમેત પાણીમાં ડૂબી જવાથી થયું હોય તેને મળવાપાત્ર 4 લાખની સહાયના ચેક પણ આપવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ઉમરગામમાં ભારે વરસાદમાં 1000 જેટલા પરિવારો અસરગ્રસ્ત થયા છે. આ સાથે સાથે 4 જેટલા ગામના મુખ્ય માર્ગોની પણ ધોવાણ થયું છે. જે માટે પણ PWDએ કામગીરી હાથ ધરી છે. GEBએ પણ થાંભલા અને કેબલ રીપેરીંગની કામગીરી હાથ ધરી છે.