વાપીમાં છેલ્લા 30 વર્ષથી રેલવે સ્ટેશને ભુખ્યાઓની જઠરાગ્નિ ઠારતા અને અજાણ્યા મૃતદેહોને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતા ઈન્તેખાબ આલમ ખાન સહિત જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટના સભ્યો અને રખડતા ભટકતા લોકોની સેવા કરતા હઠીસિંહ રાજપુતેં એકસંપ થઈ બહેરા મૂંગા બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ આી હતી.
વાપી નજીક દેગામ ખાતે આવેલ આર. એમ. દેસાઈ સ્કૂલ ફોર ડિફ એન્ડ મ્યુટ શાળાના 86 બાળકોને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર પુરી-ભાજી, વેજ બીરિયાની, છાશ, કચુંબરનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. આ અંગે ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી રેલવે સ્ટેશનને અજાણ્યા મૃતદેહની દફનવિધિ અને અંતિમ સંસ્કાર સહિત ભુખ્યાઓને ભોજન આપવાની સેવા કરે છે. તેમની આ સેવામાં મદદરૂપ થતા તેમના પુત્રએ બહેરા-મૂંગા સ્કૂલમાં બાળકોને ભોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરતા આ શુભ કાર્ય માટે મુસ્લિમ સમાજની 100 વર્ષ જૂની જમીયત ઉલેમાએ હિન્દુ સંસ્થા સાથે જોડાઈ હતી.
આ અંગે હઠીસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, તેમની પાસે દાનની કેટલીક રકમ આવી હતી જેનો તેમણે સદ ઉપયોગ કરવા માંગતા હતા. જે માટે આ સંસ્થા સાથે મળી બહેરા મૂંગા સ્કુલના બાળકોને ભોજન કરવું છે. આ સેવા હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક છે. એક તરફ કેટલાક લોકો ધર્મના નામે સમાજમાં વેરઝેર ઉત્પન્ન કરાવી રહ્યા છે. ત્યારે અમે તેમને સંદેશ આપીએ છીએ કે, વાપી અને ગુજરાતમાં હિંદુ મુસ્લિમ સમાજ એકસંપથી રહે છે.
સ્કૂલના શિક્ષિકા રંજન નાયરે પણ આ સંસ્થાની કામગીરી બદલ હર્ષની લાગણી અનુભવી હતી અને દરેક સમાજના લોકો આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તો સમાજમાં આ બહેરા મૂંગા અને માનસિક રીતે વિકલાંગ બાળકોને પણ હૂંફ મળે તેવું જણાવ્યું હતું. સમાજના લોકો અહીં આવે અને બાળકોને ભોજન કરાવે છે તો અમને આનંદ થાય છે અને બાળકો પણ આનંદની લાગણી અનુભવે છે.
ઉલ્લેખનીય છે કે, દેગામ સ્થિત માનસિક વિકલાંગ અને બહેરા મુંગાની આ શાળામાં કુલ 177 બાળકો અભ્યાસ કરે છે. જેમાં 86 બાળકો બહેરા મૂંગા છે, જ્યારે 91 બાળકો માનસિક રીતે વિકલાંગ છે. જેમને ખાસ શિક્ષણ દ્વારા પગભર કરવામાં આવે છે. બાળકોને અવનવી ઈત્તર પ્રવુતિ થકી તેમનામાં રહેલી પ્રતિભાને નિખારવામાં આવે છે. બહેરા મૂંગા બાળકોને અહીં kGથી ધોરણ 10 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે તેમજ રોજગારી માટે મીણબત્તી, પગલુછણીયા, દીવડા, પોસ્ટર, કંકોતરી સહિતની અનેક ચીજવસ્તુઓ બનાવતા પણ શીખવાડવામાં આવે છે. ત્યારે ધર્મના વાડાથી ઝોઝનો દૂર આ બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી વાપીના હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ સમાજમાં પણ એકતા-ભાઈચારો કાયમ રહે તેવો સંદેશ આપ્યો હતો.