વાપી : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 33 કેસ નોંધાયા છે. 1 વ્યકતિનું મૃત્યું થયું છે. છેલ્લા 24 કલાકમાં 12000 વાહનોની અવરજવર ધરાવતો આ નેશનલ હાઇવે નંબર 48 પણ સુમસામ જોવા મળ્યો હતો. મુંબઈ અમદાવાદને જોડતો આ હાઇવે હાલ કોરોનાની અસર બાદ લાગુ કરેલા લોકડાઉનના કારણે ખાલીખમ લાગી રહ્યો છે. તો, અનેક ઉદ્યોગોને કારણે સતત લોકોની અવરજરથી ઉભરાતા વાપી શહેરના તમામ મુખ્ય માર્ગો પણ એકલદોકલ શહેરીજનો સિવાય સુમસામ નજરે પડે છે.
લોકડાઉનને કારણે માત્ર જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી છે. વાપીના તમામ મુખ્ય માર્ગો પર જો કોઈ દેખાતું હોય તો તે છે પોલીસ. જેઓ આવતા જતા લોકોને અટકાવી ઘરમાં રહેવાની સૂચના આપી રહ્યા છે. પોલીસ સિવાય નગરપાલિકાના સફાઈ કામદારોને પણ આ મહામારી વચ્ચે પોતાની ફરજ નિભાવવાની છૂટ અપાઈ છે. સુમસામ માર્ગો પર આવા સફાઈ કામદારો સફાઈ કરી રહ્યા છે. કોરોના વાઈરસ નામની મહા ભયંકર બીમારીથી જાગૃત બની અને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે.
કોરોના વાઈરસને કારણે વાપીની મુખ્ય બજારો તમામ સ્થળો પર લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી છે. લોકડાઉન અંગે લોકો પણ જાગૃત હોય શહેરની તમામ સોસાયટીઓ અને શેરીઓમાં પણ લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે. આશા રાખીએ કે, લોકો આ રીતે 31મી માર્ચ સુધી આ ફરમાનનો અમલ કરે અને કોરોના નામની બલાથી પોતાને અને પોતાનાં પરિવારને તેમજ દેશની જનતાને ચેપરહિત રાખે.