મંગળવારે કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર કેતન પટેલે દમણ દિવની લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોટી દમણ કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરી બહાર આવેલા કેતન પટેલે જણાવ્યું હતું કે, આ લોકસભા ચૂંટણીમાં તેઓ 23 મુદ્દા લઈને મેન્ડેટ મળ્યા પહેલાથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. જેમાં મુખ્ય મુદ્દામાં દમણના ખેડૂતોને મફતમાં વીજળી આપવી, રહેણાંક વિસ્તારમાં 8 હજાર લીટર સુધીનું પાણી ફ્રી આપવું, રહેણાંક વિસ્તારમાં 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી, દીવમાં જે લોકો પાસે પોર્ટુગીઝ સમયની જમીનને પ્રશાસને આંચકી લીધી છે તે પરત અપાવવી. તેમજ સરકારી નોકરીમાં માત્રને માત્ર દમણના સ્થાનિકોને જ નોકરી આપવી, ગુજરાતના લોકોને નહીં. જેવા 23 મુદ્દાઓ આ ચૂંટણી ઢંઢેરામાં સામેલ હોવાનું જણાવ્યું હતું.
ઉમેદવારી ફોર્મ ભરવા જતા સમયે કેતન પટેલને તેની માતાએ શ્રીફળ આપી આશીર્વાદ આપ્યા હતા. જે બાદ કેતન પટેલે પોતાની પત્ની સાથે નજીકના મહાદેવ મંદિરે જઇ જળાભિષેક કરી દર્શન કર્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી મોટી દમણમાં પોતાનું નામાંકન ભર્યું હતું.