દિવાળી અને નૂતનવર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવા જિલ્લામાં વાપી સહિતના મુખ્ય મથકોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુખ્ય બજારમાં ગ્રાહકોનો તડાકો બોલ્યો છે. મુખ્ય બજારની બન્ને તરફ ઘર સુશોભનની ચીજવસ્તુઓ, કપડા અને શણગારની ચીજવસ્તુઓથી ગ્રાહકો આકર્ષિત થતાં જોવા મળ્યાં હતા.
બજારની મુખ્ય દુકાનોમાં પણ રંગબેરંગી રોશનીનો શણગાર કરી 10થી 70 ટકા સુધીના ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. છતાં પણ ગ્રાહકો ઓછા ભાવે ગુણવત્તાયુક્ત વસ્તુઓની ખરીદી માટે ફૂટપાથ પરથી ખરીદી કરવાનું પસંદ કરતા હતા.
દિવાળી પર્વના સમયમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ બજારમાં સાયરન સાથેનો રાઉન્ડ મારી નગરજનોને સતર્ક કરતા જોવા મળ્યા હતા.આમ, લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ પણ સજાગતા દાખવી હતી.
આ ઉપરાંત દિવાળી નિમિત્તે મુસાફરીમાં વધારો નોંધાયો હતો. જેથી એસ.ટી તંત્ર દ્વારા વધુ બસોની ફાળવણી કરવામાં આવી હતી. રોજની સરખાણીએ 4-5 બસોનો વઘારો કરાયો હતો.જેથી લોકોએ મુસાફરીમાં રાહતનો શ્વાસ લીઘો હતો.