પ્રવાસન ધામ અને દારૂના સેવન માટે જાણીતા દમણમાં રાત્રી દરમિયાન સહેલાણીઓ અને સ્થાનિક નાગરિકો જાહેર સ્થળો પર કે દરિયા કિનારે બીચ પર દારૂનું સેવન કરતા હોય છે. તેના કારણે અઘટિત ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓને રોકવા તેમજ સાહેલાણીઓની સલામતી સુરક્ષા માટે દમણ પ્રશાસને જાહેર સ્થળો પર અને દરિયા કિનારે રાત્રી દરમિયાન દારૂના સેવન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રશાસને દમણના જાહેર સ્થળો પર ખાસ સુચનાના બોર્ડ પણ લગાવ્યા છે.
ત્યારે, આ કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે દમણ પોલીસે પણ નવતર અભિગમ સાથે સાયકલ પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. દમણ પોલીસે રાત્રી દરમિયાન નાની દમણ છપલી શેરીમાં એક ચોકી ઉભી કરી છે. જ્યાંથી નાની દમણ સમુદ્ર તટ પર અને મોટી દમણ સમુદ્ર તટ પર 2 ટીમને તૈનાત કરી છે.
એક ટીમમાં 3 પોલીસ કર્મચારીઓ મળી કુલ 6 પોલીસ સ્ટાફ અહીં પેટ્રોલિંગ કરે છે. જે પેટ્રોલિંગ તેઓ સાયકલ પર કરે છે. રાત્રે સમુદ્ર તટ પર કે જાહેર સ્થળો પર દારૂનું સેવન કરતા લોકોને ખદેડી કાયદાનું પાલન કરાવી રહ્યા છે. દમણ પોલીસના નવતર અભિગમથી દરિયા કિનારે ફરવા આવતા સાહેલાણીઓની સુરક્ષા સલામતી વધશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકશે તેવું પોલીસ અને પ્રશાસનનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે, દમણ કલેકટરે જાહેર સ્થળો પર કે દરિયા કિનારે જાહેરમાં દારૂ પીવા પર ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ તેનો સખ્તાઈથી અમલ થતો નહોતો. જે માટે આખરે દમણ DIG ઋષિપાલ સિંહ અને જિલ્લા પોલીસવડા વિક્રમજીતસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ સાયકલ પર પેટ્રોલિંગની કરી લોકોને કાયદાનું ચુસ્તપણે પાલન કરાવી રહ્યું છે.