પોલીસની નોકરી વર્તમાન સંજોગોમાં અમુક અંશે માનસીક તણાવ પેદા કરે છે. VIP લોકોનો છાશવારે બંદોબસ્ત જાળવવો, નાગરીકોના જાનમાલનું રક્ષણ કરવું, ગુના બનતા અટકાવવા અને વણઉકેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી ગુનેગારોને જેલના સળિયા ગણાવવા સહિતની ફરજ સાથેની જવાબદારી તેમના શીરે રહેલી છે.
આ બધાની વચ્ચે પરીવાર અને સમાજ સાથે જોડાઇને ફરજ અને સામાજીક જવાબદારીઓનું સમતોલન જાળવવાનું તેમના માટે અઘરૂ બની જતું હોય છે. આ સ્થિતિમાંથી તેમને બહાર લાવવાની કોશીશ રૂપે પોલીસના ઉચ્ચાધિકારીઓ દ્વારા વિવિધ રમત ગમતની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દમણ પોલીસ વિભાગ દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ડેમાં દમણના DIGP ઋષિપાલ સિંઘ ખાસ ઉપસ્થિતમાં વિવિધ એથ્લેટીક્સ અને ક્લૂજ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ ડેમાં દમણ અને દીવના દરેક વિભાગના પોલીસ કર્મીઓએ ઉસ્તાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનોએ વોલીબોલ અને દોડ જેવી વિવિધ રમતોમાં પોતાની શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું હતું. સ્પોર્ટ્સ ડેમાં માત્ર પોલીસ જ નહિ પણ પોલીસના પરિવારને પણ સામેલ કરીને તેમના માટે પણ અલગથી વિવિધ ફન ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ જવાનો માટે યોજાયેલી આ રમત સ્પર્ધાઓમાં DIGP ઋષિપાલ સિંઘ અને અન્ય પોલીસ અધિકારોના હસ્તે વિજેતા ખેલાડીઓ અને ટીમોને પોલીસ વિભાગ તરફથી પ્રોત્સાહક ઇનામો અને ટ્રોફીઓથી નવાજવામાં આવ્યા હતા.