સેલવાસ: મંગળવારે દાદરા નગર હવેલીમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીનું બોયલર ફાટતા 3 કામદારો દાજી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે સાયલી સ્થિત શીલા ફૉમ અને સર્વા ફૉમમાં આગની ઘટના બની હતી. તો એ પહેલાં રિદ્ધિસિધ્ધિ સિન્થેટિક નામની કંપનીમાં 20 દિવસમાં બીજી વખત આગની ઘટના બની હતી.
ફૉમ બનાવતી કંપનીમાં વિકરાળ આગ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ શીલા ફૉમ અને સર્વા ફૉમ નામની કંપનીમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ સેલવાસ ફાયર વિભાગને જાણ કરતા સેલવાસ ફાયરના જવાનો આગને કાબુમાં લેવા પહોંચ્યા હતાં. જો કે, આગ વિકરાળ હોય જોતજોતામાં આખી કંપનીમાં પ્રસરી ગઈ હોય તેને બુઝાવવા દમણ અને સરીગામ ફાયર ની મદદ લેવાઈ હતી.
આગમાં મટીરીયલ ખાખ: ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કંપનીમાં રહેલ તૈયાર પ્રોડક્ટ અને રોમટિરિયલ સ્વાહા થઈ ગયું છે. આગ એટલી વિકરાળ હતી કે, તેને કંટ્રોલ કરવામાં સવારના 8 વાગ્યા હતાં. રાત્રીના 11 વાગ્યાથી લાગેલ આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
3 કામદારો દાઝ્યા: અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં છેલ્લા એક મહિનામાં 3 આગના બનાવો અને એક બોઇલર બ્લાસ્ટ થયો છે. જેમાં 3 જેટલા કામદારો દાઝી જતા તેને સારવાર માટે ખસેડવાની નોબત આવી ચૂકી છે. ફોમની કંપનીમાં આગ લાગી તે પહેલાં ખડોલી વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીનું બોયલર ફાટતા 3 કામદારો દાજી ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ 24 કલાક પછી સેલવાસ પોલીસને થતા સેલવાસ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
આગ કાબુમાં: રવિવારે સેલવાસના ડોકમરડી આમલી વિસ્તારમા આવેલ રિદ્ધિસિદ્ધિ સીન્થેટીક્સ કંપનીમા નીચેના પ્લાન્ટમા મોડી રાત્રે એક વાગ્યાના સુમારે અગમ્ય કારણસર આગ લાગી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કંપનીમાં આગ લાગી તે સમયે ઉપરના પ્લાન્ટમા કામદારો કામ કરી રહ્યા હતા જેઓએ આગ અને ધુમાડો જોતા ભાગદોડ મચાવી હતી. બાર કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.