- દમણની સુપર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ
- ફાયરના જવાનોએ 6 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો
- આગમાં જાનહાની ટળી, કરોડો રૂપિયાની પ્રોડક્ટ બળીને ખાખ
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી સુપર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વહેલી સવારે 4 વાગ્યે લાગેલી આગ પર ફાયરના જવાનોએ 10 વાગ્યે કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં આખી કંપની બળીને ખાખ થઈ છે. જ્યારે કોઈ જાનહાની થઈ નથી. હાલ આગનું કારણ અકબંધ છે, પરંતુ આગના કારણે આકાશમાં ઉઠેલા ધુમાડાના ગોટેગોટાથી આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતુ.
આ પણ વાંચો: સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં
કંપનીમાં અચાનક અગમ્ય કારણોસર આગની ઘટના ઘટી
દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી સુપર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ તાડપત્રી અને વણાટવાળી PP બેગ બનાવે છે. મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ કંપનીમાં અચાનક અગમ્ય કારણોસર આગની ઘટના ઘટી હતી. આગે જોતજોતામાં આખી કંપનીને પોતાની ઝપેટમાં લીધી હતી.
15થી વધુ ફાયર ટેન્ડરો મંગાવવામાં આવ્યા
આગની વિકરાળ જ્વાળા દેખાતા આસપાસના લોકોએ તાત્કાલિક દમણ ફાયરને જાણ કરી હતી. જે બાદ આગનું વિકરાળ સ્વરૂપ જોતા વાપી અને સેલવાસથી પણ ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી. અંદાજિત 15થી વધુ ફાયર ટેન્ડર મંગાવીને પાણી અને ફોમના મારા સાથે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
આ પણ વાંચો: સુરતની પાંડેસરા GIDC સ્થિત પ્રેરણા મીલમાં ભીષણ આગ, એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદ્યો
લોકોમાં ગભરાટ, આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના દ્રશ્યો
આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. ધુમાડાને કારણે આકાશ કાળું ડિબાંગ નજરે પડ્યું હતું. જેને જોઈને આસપાસના લોકોમાં પણ ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. ફાયરના જવાનોએ સતત સાવચેતી દાખવીને 10 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કંપનીમાં રહેલી પ્લાસ્ટિક પ્રોડકટ બળીને ખાખ થઈ હતી. જ્યારે આગની ઘટનામાં જાનહાની ટળી હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગે આપ્યું હતું.