દમણ : સંઘપ્રદેશ દમણમાં એકાદ સપ્તાહથી દીપડો દેખાયાની માહિતી વનવિભાગને મળી હતી. ચાર દિવસ પહેલા એક વાડીમાં બે વાછરડાને પણ કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધા બાદ વનવિભાગ સતર્ક બન્યું છે. વાડીમાં પિંજરા ગોઠવ્યા છે. આ ભયના માહોલ વચ્ચે દીપડો દેખાયાની વધુ એક ઘટના શુક્રવારે દમણ વનવિભાગને મળી હતી. જેના પગલે આ વિસ્તારમાં CCTV કેમેરાથી સજ્જ કરી મારણ સાથેના પિંજરા લગાવવામાં આવ્યાં છે.

આ ઉપરાંત સામાન્ય ઓળખના ચિહ્નો મુજબ દીપડો 3 ફુટ ઊંચો અને સાડા ત્રણથી 4 ફૂટની લંબાઈ ધરાવતો હોવાનું અનુમાન છે. તેના શરીરે કાળા ટપકા હોય છે. એટલે એ પ્રકારનું કોઈપણ પ્રાણી મળે તો તે દીપડો હોઈ શકે છે. જેથી તેની જાણ કરવા અપીલ કરી છે.
વનવિભાગે જે વાડીમાં વાછરડાનું મારણ થયું તે વાડીની આસપાસ અને હાલમાં ભેંસલોર વિસ્તારમાં સરકારી કોલેજ નજીકની વાડીમાં જ્યાં દીપડો દેખાયાની જાણકારી મળી છે, તે વિસ્તારને CCTV કેમેરાથી સજ્જ કરી આ અંગે વનવિભાગની એક ટીમ અને WWFની એક ટીમને હિંસક પ્રાણીની ઓળખ અને શોધમાં તૈનાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, દરિયા કાંઠે 72 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા સંઘપ્રદેશ દમણના ઇતિહાસમાં પહેલી વખત હિંસક પ્રાણી દેખાયું હોવાનું વનવિભાગને ધ્યાને આવ્યું છે. એટલે આ માટે જરૂરી કહેવાતા પાંજરા સેલવાસથી અને ઝાળી સહિતના સાધનો છેક દીવથી મંગાવવામાં આવ્યાં છે.