- દમણના માર્ગો બન્યા સુમસામ
- 31st પાર્ટી પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો
- 10 વાગ્યા બાદ તમામ પર્યટન સ્થળો ખાલી કરવા આદેશ
દમણ :31st ન્યુ યર પાર્ટીને લઈને દમણ કલેકટરે ખાસ આદેશ જારી કર્યા છે. જે મુજબ 10 વાગ્યા સુધી જ હોટેલમાં પાર્ટીનું આયોજન કરી શકાશે. તેમજ બીચ અને અન્ય જાહેર સ્થળો 10 વાગ્યા બાદ ખાલી કરી દેવાના રહેશે. આ અંગે દમણ કલેકટર રાકેશ મીનહાસે જણાવ્યું હતું કે, દમણમાં 12 વાગ્યા સુધી ચાલતી ન્યુ યરની પાર્ટી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દમણમાં અગાઉની જે ગાઇડલાઇન્સ છે તે મુજબ 10 વાગ્યા બાદ કોઈપણ બાર-રેસ્ટોરન્ટ કે, પબ્લિક પ્લેસ ખુલ્લા રહેશે નહીં.
નવા વર્ષની ઉજવણી ઘરે કરો
બીચ, પ્લેગ્રાઉન્ડ, બાર- રેસ્ટોરન્ટમાં આવેલા પ્રવાસીઓએ તે વિસ્તાર ખાલી કરવાનો રહેશે. કોરોના મહામારીને ધ્યાને રાખી તમામ લોકો પોતપોતાના ઘરે જ ન્યુ યરની ઉજવણી કરે તેવી અપીલ દમણ કલેકટર રાકેશની મીનહાસે કરી હતી.
પર્યટન સ્થળોને સ્વચ્છ રાખો
રાકેશ મીનહાસે વધુમાં જણાવ્યું હતું કે, સાંજે ઘણા લોકો ઘર બહાર નીકળે છે. 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ પણ દમણમાં આવ્યા છે. તે તમામ જે તે પર્યટન સ્થળોને સાફસુથરા રાખે અને સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવે.
5થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
10 વાગ્યા બાદ તમામ જાહેર સ્થળો ઉપર અને હોટેલો પર જો કોઈ વ્યક્તિ પકડાશે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કામકાજી વ્યક્તિઓ સિવાય રસ્તે પસાર થતા વ્યક્તિઓ પર તેમજ પાંચથી વધુ લોકો ભેગા થશે કે, પર્યટન સ્થળ ઉપર જશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત
કલેક્ટરે દ્વિચક્રી વાહન ચાલકો માટે પણ આદેશ જારી કર્યો હતો કે, તમામ દ્રિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નીકળે. હેલ્મેટ પહેર્યા વિના નીકળતા દ્વિચક્રી વાહન ચાલકો સામે પણ મોટર વાહન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
દમણમાં હોટેલો અને માર્ગો પ્રવાસીઓ વિના સુના
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને દમણમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટતું હોય છે. હોટેલોને સાજ શણગાર સજી નવોઢાની જેમ શણગારવામાં આવે છે. ડીજેનું મ્યુઝિક પ્રવાસીઓને નાચવા મજબૂર કરતું હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે દમણની હોટલો અને મુખ્ય માર્ગો ગણતરીના પ્રવાસીઓ સિવાય સુના બન્યા છે.