26મી નવેમ્બર બંધારણનો દિવસ દાદરા નગર હવેલી અને દમણ દિવના લોકો માટે ચિંતાનો દિવસ પણ હતો. કેમ કે 26મી નવેમ્બરે બંને સંઘપ્રદેશને એક સંઘપ્રદેશ બનાવવા માટેનું બિલ સંસદમાં રજૂ કરાયુ હતું. દાદરા નગર હવેલી એન્ડ દમણ-દિવ (મર્જર ઓફ યુનિયન ટેરિટરીઝ) બિલ-2019ને સંસદમાં રજૂ કર્યા બાદ વિરોધ પક્ષે આ અંગે વિરોધ નોંધાવતા હાલ આ બિલ પર બે દિવસ ચર્ચા કરી પછી પાસ કરવાની ભલામણ સ્પીકર ઓમ બિરલાએ કરી છે. ત્યારે આ વિલીનીકરણના બિલ અંગે બંને પ્રદેશના સ્થાનિક રાજકીય-સામાજિક આગેવાનો, વરિષ્ઠ પત્રકાર સાથે ETV ભારતે વાત કરી હતી. જેમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસી આગેવાન અને આદિવાસી નેતા પ્રભુ ટોકીયાએ આ બિલ અંગે વિરોધ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ બિલ અચાનક લાવવાનું કારણ શું? મર્જર અંગે કોઈપણ પ્રજામત લીધા વિના માત્ર બે ચાર અધિકારી અને પ્રશાસકે પોતાની મેળે જ મૂક્યું છે. આ બીલથી દાદરા નગર હવેલીના આદિવાસી પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી. કેમ કે, દમણ અને દાદરા નગર હવેલીના લોકોની રહેણી કરણી રીતરિવાજો જુદા છે. 90% લોકોને આ બિલ અંગે કશી જ જાણ નથી.
પરંતુ હાલ બિલ અંગેની માહિતી મળ્યા પછી ચિંતા હળવી થઈ છે. કેમ કે બીલમાં બંને પ્રદેશના જે હિતની વાત છે, તે યથાવત રહેશે તેવું જણાવ્યું છે. અને દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પણ પ્રદેશનું હિત સચવાયેલું રહેવાની ખાતરી આપી છે. વહીવટી પ્રક્રિયા માટે આ બિલ પ્રસ્તાવિત કરવામાં આવતું હોવાનું પ્રથમ નજરે લાગી રહ્યું છે. જેમાં બંને પ્રદેશની સંસ્કૃતિ, ગરિમા જળવાતી હોય તો બિલ આવકારદાયક કહેવાય.
બિલ અંગે દાદરા નગર હવેલીના વરિષ્ઠ પત્રકાર લલિત પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ એસેમ્બલીના અસ્તિત્વ વિના રાજ્યપાલની મહેરબાની પર ટકેલા પ્રદેશો છે. એકીકરણ કરવાથી ખર્ચનું ભારણ ઘટવાની વાત કરવામાં આવે છે. પરંતુ દાદરા નગર હવેલી અને દમણમાં જે બજેટ ફાળવવામાં આવે છે તેનાથી 10 ગણું કેન્દ્રક સરકાર મેળવે છે. એટલે લોકોને ફાયદો થાય તે મુજબ બિલ પાસ કરવું જોઈએ. દાદરા નગર હવેલીની વસ્તી આદિવાસી વસ્તી છે. જો દમણમાં મુખ્યાલય બને તો તેમને અનેક હાલાકીનો સામનો કરવો પડશે. જ્યારે દમણ મોર્ડન કલ્ચર ધરાવતો પ્રદેશ છે અને તે લોકોને સેલવાસ સુધી લાંબા થવુ પરવડી શકે છે. એટલે મુખ્ય મથક દાદરા નગર હવેલીમાં હોવુ જોઈએ. એ સાથે બંને પ્રદેશમાં હાલ વિવિધ કાયદાઓમાં ફર્ક છે. જે આ બિલ પ્રસ્તાવિત કર્યા બાદ અનેક દુવિધા ઉત્પન્ન કરશે.