સંઘપ્રદેશ દમણ - દીવ, દાદરા નગર હવેલીમાં 23મી એપ્રિલે સાચા અર્થમાં લોકતંત્રના મહાપર્વ તરીકે ઉજવાયો હતો. યુવાનો, મહિલાઓ, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તાપમાં પણ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
દાદરા નગર હવેલીમાં 11 ઉમેદવારોનું ભાવિ હાલ EVMમાં સીલ થઈ ગયું છે. જ્યારે દમણના ચાર ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં દમણ- દિવના કુલ 1,21,729 મતદારો પૈકી 71.82 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. દમણ દીવમાં કુલ 60,986 પુરુષ મતદારો, 60,743 મહિલા મતદારોમાથી દમણમાં 97 મતદાન મથકો પર 73.08 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. દીવમાં 52 પોલિંગ બૂથ પર 69.02 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
દાદરા નગર હવેલીમાં કુલ 11 ઉમેદવારો માટે 288 મતદાન મથક પર મતદાન યોજાયું હતું. દાદરા નગર હવેલીના 1,32,389 પુરુષ મતદારો, 1,17,629 મહિલા મતદારો, 3 ટ્રાન્સજેન્ડર મતદાર મળી કુલ 2,50,021 મતદારો પૈકી 1,03,506 પુરુષ મતદારો, 95,479 મહિલા મતદારો મળી કુલ 1,98,985 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 79.59% મતદાન નોંધાવ્યું હતું.
દાદરા નગર હવેલીમાં એ રીતે 78.18% પુરુષો, 81.16% મહિલાઓએ મતદાન કર્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં 68.95% મતદાન, ગ્રામ્ય વિસ્તારમાં 85.41% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ ટીનોડા ગામ ખાતે 96.19% અને સૌથી ઓછું અમલી પંચાયતમાં 56.38% મતદાન નોંધાયું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત 2009માં 73.22% મતદાન નોંધાયું હતું. જ્યારે 2014માં 84.08 % મતદાન નોંધાયું હતું. દમણ-દીવમાં ગત 2009માં 71.85%, 2014માં 77.84 % મતદાન નોંધાયું હતું. જેમાં આ વખતે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. હાલ કોણ જીત મેળવશે તે માટે તમામ ઉમેદવારોમાં આ ઘટાડો ક્યાં પક્ષને કે ઉમેદવારને અસર કરશે તેના પર સૌની નજર છે.
મતદાનના દિવસ દરમિયાન કેટલાક મતદાન મથક ખાતે વહેલી સવારમાં જ EVM અને VVPAT માં ટેક્નિકલ ખામી સર્જાતા પંદર મિનિટથી લઈને એક કલાક સુધી મોડું મતદાન શરૂ થયું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં સવારમાં મતદાતાઓનો વધેલો પ્રવાહ બપોર બાદ ઘટ્યો હતો. જોકે તેમ છતાં બંને સંઘપ્રદેશમાં શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ હતી.
આ લોકસભા સીટ અંગે વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં 11 ઉમેદવારોમાંથી મુખ્ય કહેવાતા ચાર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયા, શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ અને અપક્ષ ઉમેદવાર તરીકે મોહન ડેલકરે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ ચાર પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેનું ભાવી હાલ EVMમાં સીલ થઈ ગયું છે. અને તમામ EVM ને દાદરા નગર હવેલીની પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા છે. આ સીલ કરેલા EVM અને VVPAT આગામી 23મી મે સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને CCTV કેમેરાની નજર હેઠળ સુરક્ષિત રાખવામાં આવશે.
તો એ જ રીતે દમણમાં પણ સાંસદ પુત્રના છમકલા બાદ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને તમામ EVM તથા VVPATને સીલ કરી સુરક્ષા વ્યવસ્થા સાથેના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સરકારી કોલેજના સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા.
દમણમાં આ વખતે ત્રિકોણીય જંગ જામ્યો હતો આ ત્રિકોણીય જંગમાં ભાજપ તરફથી લાલુભાઇ પટેલ, કોંગ્રેસ તરફથી કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે લોકસભા ચૂંટણીની સ્પર્ધા થઈ છે. જેઓનું ભાવી હાલ તો EVMમાં સીલ થઈ ગયું છે. જેમાંથી કોણ લોકસભા સીટના વિજેતા બનશે તે 23મી મે એ પરિણામમાં જાણવા મળશે.