દમણઃ સંઘપ્રદેશ દમણ નગરપાલિકાની આગામી 8મી નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા પાલિકાના 15માંથી 10 વોર્ડના ઉમેદવારોની સોમવારે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. ભાજપે 10 વોર્ડના 10 ઉમેદવારોની બહાર પાડેલી યાદીમાં 2 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યાં છે.
નગરપાલિકાની ચૂંટણી
સંઘપ્રદેશ દમણમાં 8મી નવેમ્બરે નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેમાં વર્ષ 2015માં વોર્ડ નંબર 4, 7, 8, 9 અને 10 મહિલાઓ માટે આરક્ષિત બેઠક રાખવામાં આવી હતી. જેને આ વખતે ફેર બદલ કરી વોર્ડ નંબર 1, 2, 3, 4, 6, 11, 12, 13, 14 અને 15 ને ST મહિલા ઉમેદવાર માટે આરક્ષિત કરાઇ છે. એટલે આ વખતે ભાજપે ઘણી જગ્યાએ જુના ઉમેદવારોના સ્થાને નવા જ ઉમેદવારોને સ્થાન આપ્યું છે.
ભાજપે જાહેર કરેલા તમામ ઉમેદવારોની વિગતવાર સૂચિ જોઈએ તો વોર્ડ નંબર 01 મહિલાઓ માટે અનામત જાહેર થતા અહીં ભાજપ તરફથી સોનલ ઈશ્વર પટેલ ચૂંટણી લડશે. જયારે મારિયો લોપેઝ ભાજપમાં જોડાઈ જતા તેઓ ભાજપના નેજા હેઠળ વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડશે. વોર્ડ નંબર 03માં ભાજપ તરફથી જિગીષા વસંતલાલ, વોર્ડ નંબર 5 રશ્મિબેન હળપતિ, વોર્ડ નંબર 6માં ચંડોક જસવિંદર કૌર રણજિત સિંહ, વોર્ડ નંબર 8માં ચંદ્રગિરી ઈશ્વર, વોર્ડ નંબર 9 આશિષ સુરેશ ટંડેલ, જ્યારે વોર્ડ નંબર 11માં સેજલબેન રજનીકાંત પટેલને, વોર્ડ નંબર 12 અનિતા જયંતીલાલ, વોર્ડ નંબર 14 માટે સોહીના રજનીકાંત પટેલનું નામ જાહેર કર્યું છે.

ટૂંકમાં વાત કરીએ તો ભાજપે જાહેર કરેલા 10 વોર્ડના ઉમેદવારોમાંથી માત્ર બે ઉમેદવારો ચંદ્રગીરી ટંડેલ અને મારિયો લોપેઝને જ રિપીટ કર્યા છે. જયારે બાકીના 8 ઉમેદવારો ભાજપના નેજા હેઠળ પહેલીવાર ચૂંટણી લડશે, તો આ સાથે જ રાજનૈતિક ઉથલપાથલ ધરાવતા વોર્ડ નંબર 4-7-10-13-15 ના ઉમેદવારોની જાહેરાત કરવાની હજી બાકી રાખી છે, જે બાદ ભાજપનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.