દાદરાનગર હવેલીના મુખ્ય પ્રવાસન સ્થળ એવા દૂધની ખાતે નદીના પાણીમાં બોટ વિહાર કરવું એ દરેક પ્રવાસીની પહેલી પસંદ છે. એ જ રીતે અહીં આવતા પ્રવાસીઓ આદિવાસી હાટમાંથી આદિવાસી બનાવટની ચીજવસ્તુઓ પણ પસંદ કરીને સ્થાનિક આદિવાસીઓને રોજગારી પુરી પાડી રહ્યાં છે.
દૂધની ખાતે આવેલા આદિવાસી બનાવટની ચીજવસ્તુઓની દુકાનમાં લીંબુ, કેરી, કરમદા અને વાંસનું અથાણું વેંચવામાં આવે છે. જેમાં વાંસનું અથાણું એ પ્રવાસીઓની પ્રિય પસંદ બની છે. દરેક પ્રવાસી ગૃહિણી વાંસનું અથાણું અચૂક ખરીદે છે. એ જ રીતે વાંસની લાંબી સળીઓમાંથી બનાવેલ નાઈટલેમ્પ, છાબડી, હવા નાખવાના પંખા, બાળકોને રમવાના રમકડાં સહિત સ્ત્રીઓના શૃંગારની કેટલીક ચીજવસ્તુઓ અને ગૃહસુશોભનની ચીજવસ્તુઓ જોઈને પ્રવાસીઓ આ ચીજવસ્તુઓની ખરીદી કરે છે.
દૂધની ખાતે બરોડાથી પ્રવાસમાં આવેલા સુનિતાએ જણાવ્યું હતું કે, અહીં દરેક ચીજવસ્તુ ખૂબ જ એન્ટિક છે અને તેમાં પણ વાંસનું અથાણું ખૂબ જ સરસ હોવાથી તેની ખરીદી કરી છે. દરેક આઈટમ યુનિક આઈટમ છે. એટલે ખરીદી કરવાનું મન બનાવ્યું છે. બરોડાથી જ આવેલા બીજા પ્રવાસી બીપીનચંદ્ર ખારવાએ જણાવ્યું હતું કે, આ સ્થળ ખુબ જ સરસ છે અને તેમાં પણ અહીંના આદિવાસીઓનો સ્વભાવ અને એમની બનાવેલી ચીજવસ્તુઓ ખુબ જ ગમી છે. બીજા લોકો અહીં વાંસનું અથાણું ખરીદતા હતા અને તે ખુબ જ સરસ હોવાનું કહેતા હતા. એટલે મેં પણ ટેસ્ટ માટે વાંસનું અથાણું ખરીદ્યું છે. સાથે બીજી ગૃહસુશોભનની ચીજવસ્તુઓ પણ અમે ખરીદી છે.
આદિવાસી બનાવટની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા મનીષા બુધાને જણાવ્યું હતું કે, આ તમામ ચીજવસ્તુઓ વઘઇ, વાઘલધરા અને કપરાડાથી બાયપ્સ નામની સંસ્થા બનાવીને પૂરું પાડે છે. જેનું અમે નજીવા અને સંસ્થાના ફિક્સ દરે વેંચાણ કરીએ છીએ. જેમાં સૌથી વધુ અથાણાંની પ્રોડક્ટનું વેંચાણ થાય છે. જેમાં દરેક પ્રવાસીઓ માટે વાંસનું અથાણું એ નવી ખાદ્ય આઈટમ હોવાથી તેની ખરીદી વધુ કરે છે. કેટલાક ગ્રાહકો ક્યારેક ભાવ તાલ કરે છે પરંતુ, અમે તે ભાવે આપી શકતા નથી અને જે પ્રિન્ટ ભાવ છે તે જ ભાવે વેંચીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દૂધની ખાતે વેંચાતી આદિવાસી વિસ્તારની ચીજવસ્તુઓ મોટાભાગે વાંસમાંથી બનાવવામાં આવે છે. તે બાયપ્સ નામની સંસ્થા દરેક પ્રવાસન સ્થળ પર એકાદ બે સ્ટોલ રાખીને પુરી પાડે છે. બાયપ્સ સંસ્થા આ ચીજવસ્તુઓ વિવિધ વિસ્તારમાં આદિવાસીઓ પાસે બનાવીને તેમને રોજગારી આપે છે. જેને કારણે દૂધની જેવા પ્રવાસન સ્થળો પર આદિવાસીઓ જ તેનું વેંચાણ કરીને રોજગારી મેળવે છે.