આદિત્ય ઠાકરેએ રાહુલ ગાંધી અને તેની સાથેના ગઠબંધન પક્ષો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ ટોળકી માત્ર પ્રજાને લૂંટવા અને જમીનો હડપ કરવા માટે ભેગી થઈ છે. દેશ માટે નહીં, પરંતુ પોતાના વિકાસ માટે ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અમુક બેઠકો પર 29મી એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન છે. જેને લઈને ભાજપ શિવસેનાના ગઠબંધને પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન સાથે આ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે, પાલઘર લોકસભા ચૂંટણી 2019ના શિવસેના ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાજેન્દ્ર ગાંવિતને જંગી બહુમતીથી વિજયી બનાવવા પાલઘરના અને વલસાડ જિલ્લાના સરહદે આવેલા દહાણું ખાતે શિવસેનાના આદિત્ય ઠાકરેએ જાહેરસભાને સંબોધી હતી.
જાહેર સભાને સંબોધન કરતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, આપણો રંગ એક છે, ધ્યેય એક છે, પ્રધાનમંત્રી એક છે. જ્યારે કોંગ્રેસના ગઠબંધનમાં ના તો રંગ એક છે ના પ્રધાનમંત્રી એક છે. આ કોંગ્રેસનું ગઠબંધન કાર્ટૂન નેટવર્કની ચેનલ જેવું છે. અને ગુંડા ટોળકીઓનું ગઠબંધન છે. જે પ્રજાને લૂંટવા માગે છે પ્રજાની જમીનો હડપવા માટે ભેગું થયું છે.
કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 15 વર્ષ સત્તામાં રહ્યા બાદ પણ મહારાષ્ટ્રમાં કોઈ જ વિકાસ કર્યો નથી. ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. બેરોજગારી વધારી છે. કૌભાંડો અચર્યા છે. જ્યારે, ભાજપ શિવસેનની સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. દેશને વિશ્વમાં જો કોઈએ નામના અપાવી હોય તો તે નરેન્દ્ર મોદીએ અપાવી છે. જ્યારે કોંગ્રેસ તો કાશ્મીરમાંથી 370ની કલમ, દેશદ્રોહી કલમ હટાવવા માંગે છે. જે દેશ હિત માટે કામ કરવાને બદલે પોતાનું હિત અને દેશનું અહિત ઇચ્છતા હોય તેવા પક્ષને ક્યારેય મત ના અપાય.