દમણ: દમણમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. દમણમાં કુલ 15 વોર્ડ છે. જેમાં 50 ટકા માહિલા આરક્ષિત સીટનું પ્રાવધાન છે. જેના માટે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ઇલેક્શન કમિશનર નરેન્દ્ર કુમાર અને દમણ કલેકટર રાકેશ મીનહાસની ઉપસ્થિતિમાં ડ્રો પધ્ધતિથી સીટનું વિભાજન કરવામાં આવ્યું હતું.
આયોજિત ડ્રોમાં નગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી 50 ટકા આરક્ષિત સીટમાં વોર્ડ નંબર 5 માં એસ.ટી મહિલા માટેનો ડ્રો યોજાયો હતો. જ્યારે વોર્ડ નંબર 01, 03, 06, 11, 12, 14, 15 આ તમામ સીટ જનરલ મહિલા માટેની હોવાથી તેમનો ડ્રો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના કેતન પટેલે આગામી પાલિકાની ચૂંટણીમાં પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો છે. તેવી વાતો વહેતી થઈ છે. તેમાં કેટલું તથ્ય છે? તે અંગે સવાલો પૂછતાં ઈલેક્શન કમિશનર નરેન્દ્ર કુમારે તેને હાલમાં આ કોઈ એવા સવાલના જવાબો આપવા માટેની પ્રેસ કોન્ફરન્સ કે એ પ્રકારની બેઠક ના હોવાનું જણાવી માત્ર ડ્રો માટેની બેઠક હોય તેને લાગતા સવાલો પૂછો તેવું કહેતા કેતન પટેલે શરમમાં મુકાવું પડ્યું હતું.
જો કે તેણે આ અંગે ચૂંટણી કમિશનરે યોગ્ય જવાબ આપવા જોઈએ તેવો બળાપો કાઢી અત્યાર સુધી પાલિકાની ચૂંટણી પાર્ટી સિમ્બોલ પર જ લડાતી આવી હોવાનું જણાવ્યું હતું.
આ ડ્રો કાર્યક્રમમાં ભાજપના સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ, સહિત કોંગ્રેસ-ભાજપના આગેવાનો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.