દાહોદ: લોકડાઉનના કારણે બજાર બંધ હોવાથી ફૂલોની ખેતી કરતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તેમના ફૂલોનું વેચાણ અટકી પડયું હતું. જેના કારણે દાહોદના ધરતીપુત્રોની આર્થિક સ્થિતિ કથળવા માંડી હતી. કોરોના વાઇરસના પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ રહેવાથી ફૂલો ખેતરમાં ખરવા માંડતા ધરતીપુત્રોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. આ કફોડી સ્થિતીમાં જિલ્લાના જાગૃત ખેડૂતો દ્વારા ગુલાબના ફૂલોને એકત્રિત કરી તેનું ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું હતું. ખેડૂતો દ્વારા ખેતરમાંથી ગુલાબના ફૂલો વીણી લાવીને તેની પાંખડીઓ અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફૂલોને થોડા સૂકવી દેશી સાકરમાં મેળવીને ગુલકંદ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જાગૃત ખેડૂતો દ્વારા લોકડાઉન દરમિયાન વ્યક્તિગત 40 થી 50 કિલો જેટલું ગુલકંદ બનાવીને ગૃહઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે. આ ગૃહઉદ્યોગના કારણે લોકડાઉન દરમિયાન તેમને ફૂલોના વેચાણમાં થયેલા નુકસાનના ભરપાઈ થવાની આશા છે. આમ જિલ્લામાં ગુલાબના ફૂલોની ખેતી કરતા ખેડૂતો કોરોના વાઇરસની મહામારી સાથે ગુલાબના ફૂલમાંથી ગુલકંદ બનાવી વેચવાનો ગૃહઉદ્યોગ શરૂ કરી ફૂલો કરતાં પણ ગુલકંદમાં સારી આવક મેળવી રહ્યાં છે.