દાહોદ : ગુજરાતમાં ગીર, બરડો અને આલેયના જંગલના નેસ વિસ્તારમાં રહેતા હોય તેના સિવાયના વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણોને આપવામાં આવેલ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા આદિવાસી સમાજના આગેવાનો આંદોલન કરી રહ્યા છે. ત્યારે દાહોદ આદિવાસી સમાજ દ્વારા પણ આદિવાસીના ખોટા પ્રમાણપત્રો આપવાના સરકારના નિર્ણયનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજય સરકાર દ્વારા મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડને ખોટી રીતે આધાર બનાવીને ગેરકાયદેસર રીતે બંધારણ વિરુદ્ધ આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. ત્યારે મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ એ ગેરકાયદેસર હોવાનું આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ ના ઠરાવને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.