દાહોદ: જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જેસાવાડા અને ગરબાડાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા કેટલાંક દિવસથી નિયંત્રિત વિસ્તારમાંથી કોરોના સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યાં છે. જેથી નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય તપાસથી લઇને સેનિટાઇઝેશન જેવી કામગીરી વધુ સઘન કરવા માટે કલેક્ટરે સૂચના આપી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં કોરોના વાઇરસ સંક્રમિત કેસમાં ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. આ મહામારીને નાથવા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં છે, ત્યારે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા આકસ્મિક નિરીક્ષણ માટે જેસાવાડા મુકામે પહોંચી ગયા હતા.
કલેક્ટર વિજય ખરાડીએ બન્ને કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ચાલી રહેલી આરોગ્ય તપાસણીની ઝુંબેશનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત આ વિસ્તારના લોકોને સ્વેચ્છિક રીતે આરોગ્ય તપાસ કરાવવા જણાવ્યું હતું.