મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલો દાહોદ જિલ્લો ગેરકાયદેસર હથિયારોના સપ્લાય માટે જાણે મોકળુ મેદાન હોય એવી રીતે આંતરરાજ્ય ગુનેગારો દાહોદમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો લઈને આવી રહ્યા હોવાની બાતમી દાહોદ એસ.ઓ.જી ની ટીમના કર્મચારી બદાભાઈ ચૌહાણ ને મળી હતી. જેથી પોલીસ સ્ટાફ ગરબાડા તાલુકાના આગાવાડા ગુલબાર ચોકડી પર વોચ ગોઠવીને હથિયારોની ગેરકાયદેસર આંતરરાજ્ય હેરાફેરી કરનાર આરોપીઓની રાહ જોઈ રહ્યા હતા.
બાતમીના સમયે મધ્યપ્રદેશના મનાવર તાલુકાના કુક્ષી વિસ્તારના પ્રહલાદભાઈ તારાસિંહ ચીકલીગર અને કાળુ ભાઈ ચીખલીગર મોટરસાયકલ પર દાહોદ તરફ આવી રહ્યા હતા. જેથી પોલીસે તેમના હાથ બતાવી રોકી પૂછપરછ કરતા યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહોતો જેના કારણે પોલીસે તેમની અંગ જડતી કરતા કપડામાં છુપાવેલ છ દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 60 હજારની કિંમતના 20 કારતૂસ, બાઈક સહીત કુલ 92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ પ્રાથમિક તપાસ શરૂ કરી છે, તો પોલીસે આરોપીઓ પિસ્તોલનો જથ્થો ક્યાંથી લાવ્યા તેનો ઉપયોગ શું કરવાનો હતો તેમજ અત્યારનો જથ્થો કોને ડીલેવરી કરવાની હતી તેની પુછપરછ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.