દાહોદઃ જિલ્લા સેવા સદન ખાતે વિકાસશીલ તાલુકાઓ લીમખેડા અને ફતેપુરાના વર્ષ 2020-21 માટેના આયોજનની સમીક્ષા બેઠક ગુજરાત સરકારના નાણાં વિભાગના સચિવ અને વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ રૂપવંતસિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં લીમખેડા અને ફતેપુરા તાલુકાઓમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, કૃષિ,પશુપાલન, માળકાકીય સુવિધાઓ વગેરે જેવા મહત્વનાં સૂચકાંકો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બાબતની યોજનાઓમાં થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
વિકાસશીલ તાલુકાઓના પ્રભારી સચિવેે વર્ષ 2020-21 માટેના કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી. તેમણે બંને તાલુકા માટેનું આયોજન ઉત્તમ અને સચોટ હોવાનું જણાવી કહ્યું હતું કે, ગત્ત બે વર્ષના આયોજનનું પણ વહીવટી તંત્ર દ્વારા સરસ અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષના આયોજનને પણ તંત્ર દ્વારા સચોટ રીતે પૂરૂ કરવામાં આવે તો વિકાસશીલ તાલુકાઓમાં પ્રગતિ નોંધપાત્ર બનશે. આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે કેટલાંક મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે અતિકુપોષિત બાળકોના પરિવારને દૂધાળા પશુ આપવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કુપોષણ મોટી સમસ્યા છે. અતિકુપોષિત બાળકોના પરિવારને દુધાળા પશુ આપવાથી તેમને રોજગારી મળશે. બાળકને દરરોજનું પોષણ મળશે અને કુંટુંબની સામાજિક સ્થિતિમાં સારો એવો ફર્ક જોવા મળશે.
વધુમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ બેઠકમાં એક પ્રેઝન્ટેશન દ્વારા બંને તાલુકાઓનું વર્ષ 2020-21 માટેના આયોજનની રૂપરેખા દર્શાવી હતી. આ ઉપરાંત ગત્ત બે વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવેલા વિકાસ કામો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની માહિતી આપી હતી. આ બેઠકમાં વિકાસશીલ તાલુકાઓના મહત્વનાં સૂચકાંકોની દિશામાં નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કાર્યો અને સિદ્ધિઓ વિશે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા આયોજન અધિકારી કે. એસ. ગેલાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી. બી. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.