દાહોદ: ડીજે વગાડનારાઓ દ્વારા જાહેર માર્ગો પર બેફામ અવાજ પ્રદૂષણને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(થ) મુજબ દાહોદમાં ડી.જે સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડી.જે સાઉન્ડ વગાડનારા લાંબા સમય સુધી રસ્તાઓ ઉપર ઉભા રહી ટ્રાફિક જામ કરે છે. નિયત માત્રા કરતાં વધુ પ્રમાણમાં ડી.જે વગાડી અવાજનું પ્રદૂષણ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે છે. આ ઉપરાંત દર્દીઓ તથા સિનિયર સિટીઝન્સને હાલાકી ભોગવવી પડે છે.
કલેક્ટરના આદેશ મુજબ ડી.જે સાઉન્ડના માલિકોએ તેની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે અને તેને વગાડવા માટે સાત દિવસ અગાઉ મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવવાની રહેશે. પરવાનગી મેળવ્યા બાદ તેની શરતોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના સમયમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ છે, પરંતુ સરકારે નિયત કરેલા દિવસો માટે તેમાં છૂટ મળશે. કલેક્ટરે જણાવ્યું છે કે, અનિયંત્રિત રીતે અને અનધિકૃત રીતે ડી.જે વગાડતા સંચાલકો સામે કાર્યવાહી કરવાની પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસકર્મીઓને સત્તા આપવામાં આવી છે. પોલીસને અવાજનું પ્રદૂષણ તપાસવાનું સાધન ખરીદવા પણ જણાવવામાં આવ્યું છે.