દાહોદમાં ભારે વરસાદના કારણે પંથકના નદી-નાળામાં નવા નીર આવ્યા હતાં. મુશળધાર વરસાદના પગલે ખેતરો તેમજ રસ્તાઓનું ધોવાણ થયું હતું. ગરબાડા તાલુકાના નવા ગામે રસ્તો ધોવાઈને તુટી જવા પામ્યો હતો. જ્યારે પાંદડી ગામ નજીક નાળું ધોવાયું તો ફતેપુરાના કાળીયા ગામમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા હતા. જિલ્લામાં વરસાદના પગલે બાળકોએ શાળામાં જવાનું ટાળતા ઘણી શાળાઓમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ બાર કલાક દરમિયાન ગરબાડા 34 મીમી, ઝાલોદ 49 મીમી, દેવગઢબારીયા 13 મીમી, દાહોદ 61 મીમી, ધાનપુર 25 મીમી, ફતેપુરા 45 મીમી, લીમખેડા 78 મીમી, સંજેલી 34 મીમી, સીંગવડ 85 મીમી વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં સૌથી વધુ સીંગવડ તાલુકામાં રાત્રિ દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.