દાહોદ શહેરમાં આવેલા ઝાલોદ રોડ રેલ્વે ઓવર બ્રિજથી ઘોડી રોડ તરફ જવાના માર્ગે વળાંકમાં ગુજરાત ગેસની પાઇપલાઇનમાં કામકાજ સમય દરમિયાન એકાએક લીકેજ સર્જાતા ગેસના ધુમાડા બહાર નીકળ્યા હતા. જેના કારણે કામ કરનાર તેમજ રાહદારીઓ અને દુકાનદારોમાં ગભરાટ ફેલાતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી રેલ્વે ઓવર બ્રિજ અને ઝાલોદ બાજુનો માર્ગ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને વાહન વ્યવહારને ડાયવર્ઝન કરાયા હતા. તેમજ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલીક અસરથી ગેસ લાઇનને બંધ કરવામાં આવી હતી જેથી વધુ નુકસાન થતા બચાવી શકાયો હતો. ગેસ લાઇન બંધ થયા બાદ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ગેસ પાઇપલાઇન લીકેજ થવા બાબતે ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓએ ચૂપકીદી સેવી હતી.