દાહોદઃ દાહોદ જિલ્લાની દેવગઢ-બારિયા સબજેલની બેરોકોના તાળા તોડયા બાદ દીવાલ કૂદીને ફરાર થઈ ગયેલા 13 પૈકી 10 કેદીઓને જિલ્લા પોલીસને ઝડપી પાડવાની સફળતા મળી છે. જેમાં જેલમાંથી ભાગવાના કાર્યને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર રાકેશ માવીને મધ્યપ્રદેશ બોર્ડરથી પરથી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા મુકામે આવેલી સબજેલની અંદર રહેલા કાચા કામના કેદીઓ 1 મે ના રોજ મધરાત્રિના સમયે બે રૂમના તાળા તોડી લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, મર્ડર, દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના 13 ખુંખાર કાચા કામના કેદીઓ જેલની દીવાલ કુદી નાસી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ કેટલાક દિવસો પુર્વે પોલીસે જિલ્લામાં સઘન કોમ્બીંગ હાથ ધરી એક પછી એક એમ 9 કેદીઓને ઝડપી પાડ્યા હતાં.
સોમવારે વધુ આ પૈકીનો ફરાર એવો મુખ્ય સુત્રધાર માતવા ગામનો રાકેશ જવાભાઈ માવીને મધ્યપ્રદેશને અડીને આવેલા ભે પાટીયા ગામના જંગલમાંથી ચોરી છુપીથી બહાર નીકળવા જતા પોલીસની ટીમે તેને કોર્ડન કરી જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલ આરોપી અગાઉ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ રાત્રીના સમયે હાઈવે રોડ ઉપર પથ્થર મુકી વાહનોમાં પંચર પાડી તેની ગેંગના સાગરીતો સાથે ભેગા મળી વાહન ચાલકોને મારક હથિયારથી જીવલેણ હુમલો કરી લુૂંટ ચલાવી જંગલ વિસ્તારમાં નાસી છૂટતો હતો. જિલ્લામાં વિવિધ પોલીસ મથકે તેની વિરુદ્ધ 39 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આમ, પોલીસે 13 પૈકી 10 ફરાર કેદીઓને પકડી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે.