દાહોદઃ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે લડત આપવા દરેક ગુજરાતીને ત્રણ સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી કોરોના સામેની લડાઇમાં સંકલ્પ લઇને પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. તેમજ જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ વિભાગના કર્મચારીઓને પણ ત્રણ સંકલ્પ લેવા માટે આહવાન કર્યું હતું.
જિલ્લા કલેક્ટરે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, હું સામાજિક અંતરનું પાલન કરીશ અને બે ગજ દૂરીની વાત કરવાનું ભૂલીશ નહી. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ. કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ નાગરિકોએ આ સંકલ્પ લેવો જોઇએ અને અન્ય લોકોને પ્રેરીત કરવા માટે સોશિયલ મિડિયા પર તેને શેયર કરવા પણ જણાવ્યું છે. જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે વહિવટી વિભાગ, આરોગ્ય વિભાગ, માહિતી વિભાગના કર્મચારીઓએ પણ કોરોના સામેની લડાઇમાં આ ત્રણ સંકલ્પ લીધા હતા.