દાહોદઃ જિલ્લામાં આગામી તારીખ 16એપ્રિલથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી–2021નો આરંભ થશે. આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતેના સભાખંડમાં વસ્તી ગણતરીમાં જોડાનાર 60 જેટલા ચાર્જ ઓફિસર અને ટેકનીકલ આસીસ્ટન્ટોનો બે દિવસીય તાલિમ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર વિજય ખરાડીએ તાલિમાર્થીઓને વસ્તી ગણતરી સદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી કાર્ય 2 તબક્કાઓમાં યોજાશે. પ્રથમ તબક્કામાં મકાનો, કુંટુંબોની ઓળખ કરી ક્રમવાર પત્રકમાં નોંધવા સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વર્ષ 2020માં યોજાશે. આ ઉપરાંત કુંટુંબમાં ઉપલબ્ધ સુવિધાઓ. માનવ વસાહતોની સ્થિતિ અને મકાનોની અછત વગેરે જેવી ઉપયોગી માહિતી પણ એકત્રિત કરવામાં આવશે.
બીજા તબક્કામાં વસ્તી ગણતરીનું ફિલ્ડ વર્ક વર્ષ 2021 દરમિયાન યોજવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની ગણતરી અને તેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવશે. જિલ્લામાં અંદાજે 60 જેટલા ચાર્જ ઓફીસર અને ટેકનીકલ આસિસ્ટન્ટ, ઉપરાંત 600 સુપરવાઇઝર અને 3500 જેટલા ગણતરીદારો વસ્તિ ગણતરીની કામગીરીમાં જોડાશે.
વસ્તી ગણતરીથી મળતી માહિતી દેશના વિકાસ આયોજન માટે ખૂબ જ અમૂલ્ય હોય કલેક્ટરે તાલિમાર્થીઓને ખૂબ જ ચોકસાઇપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જનહિર્તાર્થે વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે પાયાની માહિતી વસ્તી ગણતરીથી મળે છે. આ ઉપરાંત આવાસન નીતિ નક્કી કરવા, સરકારના વિવિધ વિભાગોને વિકાસ યોજનાઓ બનાવવા માટે અતિ ઉપયોગી માહિતી મળે છે.
માટે ગણતરીની કામગીરીમાં ખૂબ જ કાળજી અને ચોકસાઇ રાખવી. વિવિધ વિકાસ આયોજન માટે આ વસ્તી ગણતરી મહત્વની હોય છે. નાગરિકો પણ આ ભગીરથ કાર્યમાં દેશસેવા સમજીને સહકાર આપે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે જિલ્લા આંકડા અધિકારી રાહુલ ગુપ્તા, એસ.વી.રાજસખા, એમ.કે.મીના અને જિલ્લા નોડલ અધિકારી એસ.એન.તડવી ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી વર્ષ 1872માં કરવામાં આવી હતી. જયારે વર્ષ 1881માં આખા દેશમાં એકસાથે વસ્તી ગણતરી યોજવામાં આવી હતી, ત્યારથી સતત દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. વસ્તી ગણતરી વર્ષ 2021એ આ શ્રેળીમાં સોળમી અને આઝાદી પછીની આઠમી વસ્તી ગણતરી છે.