- દાહોદ જિલ્લામાં રવિવારે ખુલ્લી રહેશે બજારો
- કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન: કલેક્ટર
- રવિવારે બહાર ન નીકળી પરિવાર સાથે સમય વિતાવવા કલેક્ટરની અપીલ
દાહોદ: જિલ્લામાં રવિવારે બજાર અને દુકાનો ખુલ્લી રાખવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, રવિવારે દુકાનો અને બજાર ખોલી શકાશે પણ કોરોના બાબતની તમામ સાવચેતીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
દાહોદમાં અનલોકના સમયથી જ રવિવારે બંધ રહે છે દુકાનો
દાહોદ જિલ્લામાં લોકડાઉનના સમયથી અનલોક-5 સુધી રવિવારના રોજ દુકાનો બંધ રાખવામાં આવતી હતી. જે દુકાનો દાહોદ જિલ્લા કલેક્ટરના નવા આદેશના પગલે રવિવારથી સૂચનાઓને આધીન વેપારીઓ ખુલ્લી રાખી શકશે.
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જેથી રવિવારે બજારો-દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કોરોના સંક્રમણ ફરીથી ઉથલો ન મારે તેનું પણ ધ્યાન આપણે રાખવાનું છે.
કલેક્ટરે લોકોને સહયોગ આપવા કરી અપીલ
કોરોના સંક્રમણના સંદર્ભમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના બાબતની દરેક સાવચેતીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જાહેરમાં બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. સામાજિક અંતરનું પાલન કરવાનું છે અને સેનિટાઇઝર કે સાબુથી હાથ ધોવા જેવી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ બાબતો જ તમને કોરોનાથી દૂર રાખશે. બને ત્યાં સુધી રવિવારના દિવસે ઘરે રહીને પરિવાર સાથે જ સમય વિતાવીએ એ આપણા માટે વધુ હિતાવહ રહેશે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને કોરોના બાબતે સજાગ રહેવાનું છે અને આરોગ્ય વિભાગ, પોલીસકર્મીઓ, નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનો છે. કોરોના સામે આપણી જાગૃકતા જ આપણો બચાવ છે એમ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું.