દાહોદ : ધાનપુર તાલુકાના આંબાકાચ મકડવા ફળિયા નજીક આવેલા જંગલમાં વર્ષ 2014 માં એક તરુણી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. તરુણીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનાર આરોપીને લીમખેડા કોર્ટે દોષિત ઠેરવી સખત કેદની સજા ફટકારી છે. જાણો સમગ્ર મામલો...
વર્ષ 2014 નો દુષ્કર્મ કેસ : આ કેસ અંગેની વિગત અનુસાર વર્ષ 2014 માં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા આંબાકાચ ગામે મકડવા ફળિયા નજીક આવેલા જંગલમાં આ ગુનો બન્યો હતો. જેમાં પીડિત તરુણી પોતાના પિતા અને કાકા સાથે 14 સપ્ટેમ્બર 2014 ના રોજ બળતણ માટે લાકડા વીણવા ગઈ હતી. જોકે તરુણી પોતાના પિતા અને કાકાથી લાકડા વીણતા સમયે દૂર થઈ જંગલમાં આગળ નીકળી ગઈ હતી.
હવસનો શિકાર બની તરુણી : આ દરમિયાન કાળાખૂંટ ગામનો રહેવાસી નરેશભાઈ ચેનિયાભાઈ મીનામાં અને વાકોટા ગામનો રહેવાસી પ્રવીણ પાસાયા પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. લાકડા વીણવા માટે આવેલી તરુણીને જોઈને નરાધમના મનમાં ખોટ આવી હતી. આરોપીએ તરુણીના વાળ ખેંચી જંગલની અંદર લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ કાર્યવાહી : આ ક્ષણે તરુણીએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા તેનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે તરુણીના પિતા અને કાકા આવી પહોંચતા આરોપી નરેશ મિનામાં મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયો હતો. આ મામલે પીડિતાના પરિવારજનોએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે IPC કલમ 396, 502(2), 114 તથા POCSO એકટની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પીડિતાને મળ્યો ન્યાય : દુષ્કર્મનો આરોપી ગુનો આચરી ત્રણ વર્ષ સુધી ફરાર હતો. જોકે પોલીસે કડક તપાસ કરી વર્ષ 2017 માં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ત્રીજા એડિશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો કોર્ટ લીમખેડા કોર્ટમાં આ કેસ દાખલ થયો હતો. જે અંતર્ગત જજ એમ. એ. મિર્ઝાએ સુનાવણી દરમિયાન મદદનીશ જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલો સાંભળી હતી.
નરાધમને સખત સજા : સુનાવણીના અંતે જજ એમ. એ. મિર્ઝાએ આરોપીને દુષ્કર્મના ગુનામાં દોષિત જાહેર કરી 20 વર્ષની સખત કેદની સજા અને રુ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત કોર્ટે દ્વારા ભોગ બનનાર તરુણીને પુનઃવસન અને શારીરિક માનસિક યાતના વિકટીમ કંપેન્સેશન સ્કીમ 2019 અંતર્ગત રુ. 2 લાખ વળતર પેટે ચુકવી આપવાની DLSA ને ભલામણ કરી હતી.