દાહોદઃ જીલ્લાના દેવગઢબારિયાના અંતેલા ગામે રહેતા પટેલ શનાભાઈના ઘરની નજીકના ખેતરમાંં ઉનાળુ મકાઈનો પાક તૈયાર થઇ ગયો હોવાથી તેની કાપણી માટે સનાભાઇની દિકરી ઇલા ઉ.16 તેમજ વર્ષા ઉ.18ની બન્ને બહેનો ખેતરમાં વહેલી સવારે ખેતરમાં મકાઈની કાપણી કરવા ગઈ હતી. સવારે નવ વાગ્યાના અરસામાં બંને બહેનો ખેતરમાં કામ કરતી હતી. ત્યારે જંગલ તરફથી આવેલા એક દીપડાએ અચાનક હુમલો કરીને ઇલાના બંન્ને પગમાં તેમજ બીજી પુત્રી વર્ષાના ડ્બા હાથે અને શરીરના પીઠના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમ છતાં બન્ને બહેનોએ હિંમત કરી દીપડાથી બચવા માટે બુમા બૂમ કરતા આસપાસના ખેતરોમાં કામ કરતા અને નજીકમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા અને બૂમાંબૂમ કરી, પથ્થરો મારતા દિપડો જંગલ તરફ નાસી ગયો.
ત્યાર બાદ ખેતરમાં કામ કરતી બન્ને બહેનોને ગંભીર ઇજા થવાથી તાત્કાલિક 108 મારફતે દેવગઢબારીયા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના બાદ સ્થાનિક વનવિભાગને આ બનાવની જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.