દાહોદઃ શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલ્ફેર એસોસિએશન ખાતે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખા દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વ્યવસાયે શિક્ષક એવા સાંસદ જસવંતસિંહ ભાભોરે આ અવસરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, શિક્ષકકર્મ અસામાન્ય છે. શિક્ષકો ઉપર ઓજસ્વી અને ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે. આ કાર્ય કોઇ ફેક્ટરી કે કારખાનાથી થઇ શકતું નથી. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, તેમનામાં ઉત્તર નાગરિકગુણ સિંચન કરવાનું કાર્યશાળામાં થાય છે.
દાહોદ જિલ્લામાં શિક્ષણના જ્યોતિર્ધર ઠક્કર બાપનું પુણ્ય સ્મરણ કરી ભાભોરે જણાવ્યું કે, દિવ્યાંગતા હોવા છતાં શિક્ષકો પોતાનું શિક્ષણકર્મ સારી રીતે કરી રહ્યા છે. જે અન્ય લોકોને પણ પોતાનું કામ સારી રીતે કરતા કે જવાબદારી વહન કરવા માટે પ્રેરે છે. તેમણે મીડિયાને દેશના વિકાસ માર્ગના સહયાત્રી ગણાવી દાહોદના મીડિયાની સકારાત્મક, રચનાત્મક ભૂમિકાની સરાહના કરી હતી અને આ કાર્યક્રમ યોજવા બદલ ભારતીય પત્રકાર સંઘને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં કલેક્ટર વિજય ખરાડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સુગમ્ય ભારત અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં દિવ્યાંગોના કલ્યાણ માટે કરાયેલી કામગીરીની ટૂંકી ભૂમિકા આપી હતી અને શાળાઓમાં દિવ્યાંગોને માટે પહેલા કરતા વધુ અનુકૂળ બનાવવામાં આવી હોવાનું કહ્યું હતું. એક શિક્ષક તરીકે સાંસદ ભાભોરનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
જ્યારે મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ શિક્ષકો હેતલકુમાર કોઠારી, સબુરભાઇ બારિયા, મહેશભાઇ પરમાર, રાજેશકુમાર પરમાર તથા મહેશકુમાર ચૌબિસાનું શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અગ્રણી સુધીરભાઇ લાલપુરવાળા, બ્લાઇન્ડ વેલ્ફેર સંસ્થાના પ્રમુખ યુસુફભાઇ કાપડીયા, શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષણજગતના અગ્રણીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.