ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ કોલેજમાં એડમિશન માટે વારંવાર ધક્કા ખાવા છતાં કોલેજની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત બન્યા છે. દાહોદ પંથકના વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમિશન નહીં મળતા કોલેજ અને જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેના બીજા દિવસે પણ ધરણા પ્રદર્શન કાર્યક્રમ વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે. ધરણા સ્થળ નજીક આવેલી કોલેજ કેમ્પસના મુખ્ય દરવાજાને કેટલાક તત્વો દ્વારા તાળાબંધી કરી દેવાતા કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર જ ઉભા રહ્યા હતાં.
તેમજ શૈક્ષણિક કાર્ય વિના જ પરત રવાના થયા હતા. ધરણા કરનાર વાલીઓ અને આગેવાનો સાથે કોલેજ પ્રશાસન દ્વારા સમાધાનકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમજ ઉચ્ચ શિક્ષણ અને કમિશ્નરની કચેરી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલ સચિવ સાથે લેખિતમાં પરામર્શ કરવામાં આવી રહ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા પ્રતિક ધરણા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં ધરણા કરવા સમજાવટ પણ કરવામાં આવી રહી છે.