5મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મુકામે રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તથા તેના લાભ લેતો થાય "યોગ ફોર હાર્ટ કેર" તેવા આશય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મુકામે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પોલીસ કર્મચારીઓ ભાગ લીધો હતો. આ યોગ દિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ સહીત નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
દાહોદ જિલ્લામાં આઇકોનિક સ્થળ જેવાકે બાવકા શિવ મંદિર, છાપ તળાવ, દાહોદ માનસરોવર તળાવ, દેવગઢ બારીયા ભમરેચી માતા મંદિર, સીંગવડ રતનમહાલ અભ્યારણ, ઓમ શાંતિ બ્રહ્મા કુમારી સંસ્થા ,આર્ટ ઓફ લિવિંગ સંસ્થા, પંચમુખી હનુમાન મંદિર, આદિવાસી ભવન મુકામ સહિત જિલ્લાના 1126 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં 1500 જેટલા યોગની તાલીમ પામેલા શિક્ષકોએ યોગાભ્યાસ કરાવ્યો હતો. અમદાવાદ જિલ્લામાં 3 લાખ 25 હજાર જેટલા લોકોએ 5મા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પોલીસ વડા , દાહોદ જિલ્લા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત અધિકારીઓ ,પદાધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં યોગ દિવસની ઉજવણી સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.