દાહોદ : દારૂબંધી હોવા છતાં પણ રાજ્યમાં દારૂની હેરફેર કરતા બુટલેગરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હોય છે. જોકે બુટલેગરો દ્વારા પણ રાજ્યમાં દારૂ સપ્લાય માટે અવનવા કિમિયા અપનાવવામાં આવે છે. ત્યારે દાહોદથી એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ભેજાબાજ બુટલેગરે દારૂની હેરાફેરી માટે ઓન ડ્યુટી પંચમહાલ ડેરી ગોધરા બોર્ડ મારેલી સુમો ગાડી ઉપયોગમાં લેવામાં આવી હતી.
નકલી ઓળખ : પોલીસ ક્ષેત્રોથી મળેલી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે મુવાડી ફળિયામાં સંજયભાઈ માવી દ્વારા આ ગુનો કરવામાં આવ્યો હતો. લીમડી પોલીસને બાતમી મળી હતી કે, ઓન ડ્યુટી પંચમહાલ ડેરી ગોધરા ગેરકાયદેરના બોર્ડ મારેલી સુમો ફોર વ્હીલરમાં ગાડીમાંથી વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. તે બાતમીના આધારે લીમડી પોલીસ સતર્ક બની હતી. બાતમીના આધારે લીમડી પોલીસ PSI એમ. એફ. ડામોર પોતાની ટીમને સતર્ક કરી સુથારવાસા ગામે બાતમી મુજબ રેડ પાડી હતી. જ્યાં સંજય માવીના મકાનમાં ઓન ડ્યુટી પંચમહાલ ડેરી ગોધરા ગેરકાયદેસર બોર્ડ મારેલી સુમો ગાડી GJ 17 N 9749 મળી આવી હતી.

દારૂ વેચનાર અને દારૂ લાવનાર અને હેરફેર કરનારા ઉપર પોલીસની બાજ નજર રહેશે. અને જો કોઈ કાયદાનો ભંગ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.-- એમ.એફ.ડામોર (PSI, લીમડી પોલીસ સ્ટેશન)
બે આરોપી ફરાર : આ ગાડીમાં વિદેશી દારૂનું કટિંગ કરી મકાનમાં દારૂ મુકાતા પોલીસે હિંમતભાઈ દશરથભાઈ વડેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે મકાન માલિક સંજયભાઈ ખુમાનભાઈ માવી તથા ટાટા સુમો ગાડીનો માલિક પ્રકાશગીરી મોહનગિરી ગોસાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લીમડી પોલીસે ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ મામલે લીમડી પોલીસે ઝડપી પાડેલા આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તપાસમાં મધ્યપ્રદેશના રાણાપુર ઠેકા પરથી દારૂ ભરી આપનાર ઈસમ અંગે માહિતી મળી હતી. આમ ચાર ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.