દાહોદ : જિલ્લામાં છ નકલી કચેરી ઊભી કરી રૂપિયા 18.69 કરોડ રૂપિયાનો કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કૌભાંડી સંદીપ રાજપૂતને દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવી પૂછપુરછ કરી હતી. જેમાં કૌભાંડના તાર 2019માં દાહોદ ખાતે પૂર્વે પ્રાયોજના વહીવટદાર આઈએએસ અધિકારી બી ડી નીનામા સુધી લંબાયાં હતાં. ત્યારે નીનામાનું નામ ખુલતા દાહોદ પોલીસે ધરપકડ કરી લીધી છે. જેને લઇ સરકારી કર્મચારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પૂર્વ આઈએએસ અધિકારી બી ડી નીનામા કોર્ટમાં રજૂ : છોટા ઉદેપુરના બોડેલીમાં સિચાઈ વિભાગની નકલી સરકારી ઓફિસ ઉભી કરી 4.15 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. મામલાને લઇ તપાસ કરી રહેલી સિટ ટીમની તપાસમાં સ્ફોટક વિગતો સામે આવી હતી. જેમાં વધુ તપાસમાં આરોપીઓ સંદીપ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લામાં પણ છ નકલી કચેરી ઊભી કરાઈ હોવાની માહિતી સીટના અહેવાલમાં બહાર આવી હતી. જેને લઈને દાહોદ પોલીસ દ્વારા તપાસમાં વિગત સામે આવી હતી કે દાહોદ જિલ્લામાં પણ આરોપીઓ દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો હતો. જેના પુરાવા અને માહિતી એકત્રિત થતા દાહોદ પોલીસે પૂર્વે પ્રાયોજના વહીવટદાર આઈએએસ અધિકારી બી ડી નીનામાની ધરપકડ કરી હતી. કેસ સદંર્ભે આજ રોજ પૂર્વ આઈએએસ અધિકારી બી ડી નીનામાને વધુ તપાસ અર્થે દાહોદ પોલીસે રિમાન્ડ મેળવવા માટે દાહોદ કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા જેને લઈને સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લા ખાતે દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી કે છ ખોટી ઓફિસો ઊભી કરી પ્રાયોજનાની ગ્રાંટો આ ઓફિસ દ્વારા ઉચાપત કરવામાં આવેલી હતી. તે ગુનાના તપાસના કામ અર્થે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં સંદીપ રાજપૂત જે ખોટા સરકારી અધિકારી બનેલા હતાં. અમુક જગ્યાએ ખોટી સહીઓ કરેલી. બીજા અકિત સુથાર જેને ખોટી ઓફિસોના નામે બેંક એકાઉન્ટ ખોલેેલા અને અહીંની સરકારી ઓફિસના સંપર્ક કરેલા ખોટી કામગીરી કરતાં હતાં. ગઈકાલે બી.ડી નીનામા જે તે સમય જિલ્લાા પ્રાયોજના અધિકારી તરીકે કામ કરતા હતાં જેમની સંડોવણી અને મેળાપીપણાંના પુરાવા પ્રાપ્ત થતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.. રાજદીપસિંહ ઝાલા ( દાહોદ જિલ્લા પોલીસ વડા )
સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ : દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો હોવાને કારણે અહીંયાની પ્રજા અબૂધ હોવાથી અને ભ્રષ્ટાચારી તત્વો અને અધિકારીઓના મેળાપીપણાંને કારણે જે યોજનાનો લાભ પ્રજાને મળવો જોઈએ તે મળ્યો ન હતો તથા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હતો.