દાહોદ: જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ ક્ષેત્રોના લોકોના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વેપારીઓમાં સંક્રમિત વધુ છે. જેથી જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું કે, છેલ્લા પંદર દિવસમાં કોરોનાના કેસ જોતા જણાય છે કે, કરિયાણાના દુકાનદારો, જવેલર્સ, શાકભાજીના વેપારીઓ અને વાળંદ-હેરકટીંગ સલુન ચલાવતા લોકોના ત્યાંથી મોટા પ્રમાણમાં કેસો નોંધાઇ રહ્યાં છે.
જરૂરી છે કે, દુકાનદારો જેમને બજારમાં, બીજા શહેર કે જિલ્લામાં અવાર-નવાર જવાનું થતું હોય તેઓ સામાજિક અંતરનું અવશ્ય પાલન કરે, માસ્ક ફરજીયાત પહેરે, સેનિટાઇઝર સહિતના નિયમોનું ચુસ્તરીતે પાલન કરે. આ સાથે તેમની પાસે આવતા ગ્રાહકો પાસે પણ આ નિયમોનું પાલન કરવા સમજ આપે. જે ગ્રાહકો વધુ સમય રોકાયા હોય તેમના નામ, મોબાઇલ નંબર સહિતની વિગતો સાથેનું લીસ્ટ-રજીસ્ટર બનાવે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યું કે, જે લોકોને શરદી-તાવ-ઉધરસ સહિતના લક્ષણો જણાય તો તેઓએ તરત નજીકના સરકારી દવાખાનામાં બતાવવું. ઉપરાંત 104 નંબર ઉપર ફોન કરી પણ મદદ મેળવી શકાશે. જેટલી જલ્દી સેલ્ફ રિપોર્ટિગ કરવામાં આવશે, તો કોરોનાને ઘાતક બનતો અટકાવી શકાય છે અને દર્દી જલ્દીથી સ્વસ્થ થઇ જાય છે.
વિજય ખરાડીએ જણાવ્યું કે, આ સમયે ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, તેઓ ઘરે જ રહે. ઉપરાંત જેમને અન્ય બિમારીઓ પણ છે, એવા વડીલો પણ ખાસ સાવચેતી રાખે અને રિવર્સ કવોરન્ટાઇન થાય. તેમને દવા વગેરે પણ ઘરે જ મળી રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવે. જેથી વડીલોને કોરોના સંક્રમણથી દૂર રાખી શકાય.